દિલ્હી પોલીસે જામિયા યુનિવર્સિટીના 14 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. યુનિવર્સિટી પ્રશાસનની ફરિયાદ પર પોલીસે આ મોટી કાર્યવાહી કરી છે. આ વિદ્યાર્થીઓ બે પીએચડી સ્કોલર સામે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓને ગત વર્ષે કથિત રીતે એક પ્રદર્શનનું આયોજન કરવા બદલ કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન સોમવારથી શરૂ થયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વહીવટીતંત્રના 'વિદ્યાર્થી ચળવળ પરના કડક પગલાં' ની નિંદા કરી હતી. યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે, સંપત્તિમાં તોડફોડ કરવામાં આવી છે, જેના પગલે સુરક્ષા વધારી દેવામાં આવી છે. યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે, દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ કેન્ટીન સહિત યુનિવર્સિટીની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું અને સુરક્ષા સલાહકારની ઓફિસનો દરવાજો તોડી નાખ્યો હતો, જેના કારણે વહીવટીતંત્રને કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, 'કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને વિરોધ સ્થળ પરથી હટાવવા માટે પોલીસ હસ્તક્ષેપની વિનંતી કરી હતી. યુનિવર્સિટી વહીવટીતંત્ર તરફથી વિનંતી મળ્યા બાદ અમે સવારે 4 વાગ્યાની આસપાસ 10થી વધુ વિદ્યાર્થીઓને ત્યાંથી હટાવ્યા છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે કેમ્પસની બહાર ભારે પોલીસ સુરક્ષા તહેનાત કરી છે.' યુનિવર્સિટીના નિવેદનને શેર કરતા અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, '10થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. એક નિવેદનમાં યુનિવર્સિટીએ જણાવ્યું કે, 10 ફેબ્રુઆરીની સાંજથી મુઠ્ઠીભર વિદ્યાર્થીઓએ શૈક્ષણિક બ્લોકમાં ગેરકાયદેસર રીતે એકઠા થઈને વિરોધ પ્રદર્શનનું આહવાન કર્યું હતું.
ત્યારથી તેઓએ ન માત્ર વર્ગોના શાંતિપૂર્ણ સંચાલનમાં ખલેલ પહોંચાડી, પરંતુ મધ્ય-સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે અન્ય વિદ્યાર્થીઓને સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પ્રવેશતા અને ક્લાસમાં જતા પણ અટકાવ્યા છે.' યુનિવર્સિટીનું કહેવું છે કે, 'વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ કેન્ટીન સહિત યુનિવર્સિટીની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું અને સુરક્ષા સલાહકારની ઓફિસનો દરવાજો તોડી નાખ્યો હતો, જેના કારણે વહીવટીતંત્રને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. તેમણે યુનિવર્સિટીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તે વાંધાજનક અને પ્રતિબંધિત વસ્તુઓ વહન કરતા જોવા મળ્યા. યુનિવર્સિટી વહીવટીતંત્રે યુનિવર્સિટીની મિલકત, દિવાલોને થયેલા નુકસાન અને ક્લાસમાં વિક્ષેપને ગંભીરતાથી લીધો છે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલાં લીધાં છે.'
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500