માણસા તાલુકાનાં માણેકપુર ગામે રહેતા ખેત મજૂર પરિવારનો યુવક ગતરોજ કોઈ કામ માટે કુકરવાડા ગયો હતો અને પરત રાત્રિના સમયે ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે મંડાલીથી વિહાર ચોકડી વચ્ચે એક કારના ચાલકે આ યુવકના બાઇકને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો અને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને મહેસાણા સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાભર તાલુકાનાં વજાપુર નવા ગામના હકાભાઇ સરદારજી ઠાકોર તથા તેમનો પરિવાર માણસા પાસે આવેલા માણેકપૂર ગામે ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે હકાભાઇ તેમના વતનમાં ગયા હતા ત્યારે તેમનો નાનો ભાઈ પશાજી સવારે તેનું બાઇક નંબર જીજે/18/સીએફ/7726 લઈ પોતાના કોઇ કામ માટે કરવાડા ગામે ગયો હતો અને ત્યાંથી તેનું કામ પૂરું કરી રાત્રિના સમયે પરત માણેકપૂર ગામે આવી રહ્યો હતો.
તે વખતે આશરે પોણા નવ વાગ્યાના સમયે મંડાલી ગામથી વિહાર ચોકડી વચ્ચે પહોંચ્યો તે વખતે એક કાર નંબર જીજે/18/બીડી/9751ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી પશાજીના બાઈકને જોરદાર ટક્કર મારતા આ યુવક રોડ પર પટકાયો હતો. જેના કારણે માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક કુકરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયો હતો. જ્યાં ઇજાઓ ગંભીર જણાતા ત્યાં પ્રાથમિક સારવાર બાદ મહેસાણા લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ ત્યાં વધુ સારવાર મળે તે પહેલા પશાજીનું કરૂણ મોત નિપજયું હતું. જે બાબતની જાણ મૃતકના મોટાભાઈને કરવામાં આવતા તેઓ તાત્કાલિક મહેસાણા આવી પહોંચ્યા હતા અને અકસ્માત બાબતે માહિતી મેળવી અકસ્માત સર્જનાર કારના ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500