સુરત જિલ્લાનાં મહુવા તાલુકાનાં ઉમરા ગામનો તલાટી વર્ષ ૨૦૧૩માં અભિપ્રાય આપવા માટે રૂ.૪૦૦૦ની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયો હતો. તેનો કેસ ચાલી જતા તકસીરવાર ઠરેલા તલાટી રત્નસિંહ ઉર્ફે રામુભાઈ નાડીયાભાઈ ચૌધરીને કોર્ટે બે વર્ષની કેદની સજા અને દંડ કરતો હુકમ કર્યો હતો. લાંચના કેસની વિગત એવી છે કે, એક ભુમિવિહિન ખેતમજૂરે તેને સરકાર તરફથી મળતા ઘરથાળના ૧૦૦ વારનો પ્લોટ મેળવવા માટે ઉમરા ગામ પંચાયત કચેરીમાં અરજી કરી હતી.
તે અરજીમાં અભિપ્રાય આપવાના અવેજ પેટે આ ઉમરાના તત્કાલીન તલાટીએ ખેતમજૂર પાસે રૂ.૪૦૦૦ના લાંચની માંગણી કરી હતી. ખેતમજૂર લાંચ આપવા માંગતો ન હોય તેણી એસીબીનો સંપર્ક કર્યો હતો. તે આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી રત્નસિંહ ઉર્ફે રામુભાઈ નાડીયાભાઈ ચૌધરી (તલાટી કમ મંત્રી, ઉમરા ગ્રામ પંચાયત, તા.મહુવા,જી.સુરત)ને એસીબીએ વર્ષ ૨૦૧૩માં રૂ.૪,૦૦૦ની લાંચ લેતા ઝડપી પાડયો હતો. તલાટી વિરુદ્ધ સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.માં ભષ્ટાચારની કલમ ગુનો તા.૦૭/૦૩/૨૦૧૩ના રોજ ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં પોલીસે કોર્ટમાં જરૂરી પુરાવાઓ સાથે ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ન્યાયિક કાર્યવાહી દરમમ્યાન સાંયોગીક પુરાવાઓ, મૌખિક પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ સ્પેશ્યલ એ.સી.બી. કોર્ટના એડીશનલ સેસન્સ ન્યાયધીશ બારડોલીએ તકસીરવાર ઠેરવી એક વર્ષની કૈદ અને રૂપિયા ૧૦,૦૦૦/-નો દંડ અને દંડની રકમ નહી ભરે તો વધુ એક માસની સજા તથા બીજી કલમ હેઠળ બે વર્ષની કેદની સજા અને રૂપિયા ૧૦,૦૦૦/-નો દંડ અને દંડની રકમ નહી ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500