દુનિયામાં ફરી એક વખત કોરોના મહામારીએ વિનાશ વેરવાનું શરૂ કરી દીધું છે. કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે દુનિયાભરના દેશોમાં વિશેષરૂપે અમેરિકા અને યુરોપમાં કોરોનાના કેસમાં વિક્રમી ઊછાળો આવ્યો છે. અમેરિકામાં એક દિવસમાં કોરોનાના 4.65 લાખ કેસ નોંધાયા છે અને વધુ 1,777નાં મોત નીપજ્યાં હતા. જયારે બીજી બાજુ યુરોપમાં બ્રિટન, ફ્રાન્સ, સ્પેનમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ 1 લાખથી ઉપર નોંધાયા છે. આમ, દુનિયામાં સતત બીજા દિવસે 24 કલાકમાં કોરોનાના 10 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે વધુ 6,000થી વધારે કોરોના દર્દીનાં મોત નીપજ્યાં છે. દુનિયામાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ કરાયાના એક વર્ષ કરતાં વધુ સમય પછી પણ આ મહામારી સામે દુનિયા હજુ ઘૂંટણીયે છે. મોટાભાગના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના કારણે ફરી એક વખત દુનિયાના વિકસિત દેશોમાં પણ સ્વાસ્થ્ય સેવાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
અમેરિકાના ટોચના ડો.એન્થોની ફૌસીએ દેશવાસીઓને નવા વર્ષની ઊજવણી કરવા સામે ચેતવણી આપી
વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) એ ચેતવણી આપી હતી કે, ડેલ્ટા પ્રકોપ દરમિયાન જ ઓમિક્રોનના વધુ સંક્રામક કેસ દુનિયામાં કોરોનાની સુનામી લાવી રહ્યા છે. હૂના અધ્યક્ષ ટેડ્રોસ ગેબ્રેયેસસે જણાવ્યું હતું કે, ગયા સપ્તાહની સરખામણીમાં આ સપ્તાહે કોરોનાના નવા કેસમાં 11 ટકાનો ઊછાળો આવ્યો છે. તા.20 થી 26 ડિસેમ્બર વચ્ચે અંદાજે 50 લાખ નવા કેસ નોંધાયા હતા, જેમાં અડધાથી વધુ કેસ યુરોપમાં નોંધાયા હતા. જોકે, હવે અમેરિકામાં પણ કોરોનાના વિક્રમી કેસ નોંધાઈ રહ્યા છે. દુનિયામાં કોરોના મહામારી પર નજર રાખી રહેલી વર્લ્ડઓમીટર વેબસાઈટ દ્વારા એકત્ર કરાયેલા આંકડા મુજબ અમેરિકામાં એક દિવસમાં કોરોનાના નવા 4,65,670 કેસ નોંધાયા હતા અને વધુ 1,777નાં મોત નીપજ્યાં હતા. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ 5,46,56,866 થયા હતા જ્યારે મૃત્યુઆંક 8,44,272 થયો હતો. અમેરિકામાં અત્યંત ઝડપથી ફેલાતા ઓમિક્રોનના કારણે ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણીઓ ફિક્કી થઈ ગઈ હતી. અમેરિકાના ટોચના ડો.એન્થોની ફૌસીએ દેશવાસીઓને નવા વર્ષની ઊજવણી કરવા સામે ચેતવણી આપી હતી. તેમણે ઉમેર્યું કે, અમેરિકામાં જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની પીક આવશે.
પેરિસમાં પણ કેસ વધતા માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક નહીં પહેરનારને 135 યુરોનો દંડ
બ્રિટનમાં પણ સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ વિક્રમી સ્તરે નોંધાયા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને લોકોને સાવધાનીપૂર્વક નવા વર્ષની ઊજવણી કરવા અપીલ કરી છે. હજુ પણ હોસ્પિટલોમાં અનેક હેલ્થ વોરિયર્સને બૂસ્ટર ડોઝ મૂકાયા નથી, જે ચિંતાજનક બાબત છે. બ્રિટનમાં કોરોનાના કુલ કેસ 1,25,59,926 નોંધાયા હતા. જ્યારે મૃત્યુઆંક 1,48,089 થયો હતો.
ફ્રાન્સની રાજધાની પેરિસમાં પણ કેસ વધતા માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવાયું છે અને માસ્ક નહીં પહેરનારને 135 યુરોનો દંડ કરાયો છે. રશિયામાં કોરોનાના નવા 21,073 કેસ નોંધાયા છે અને વધુ 926નાં મોત નીપજ્યાં છે. આ સાથે રશિયામાં કુલ કેસ 1,04,79,344 થયા છે જ્યારે મૃત્યુઆંક 3,07,948 થયો છે. સાઉદી અરબમાં પણ કોરોનાના કેસ વધતા વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. પરિણામે સરકારે મુસ્લિમો માટે પવિત્ર મક્કા મસ્જિદમાં સોશિયલ ડિસ્ટન્સના નિયંત્રણો લાગુ કર્યા છે. બીજીબાજુ ચીનમાં પણ કેસ વધતાં 1.3 કરોડની વસતી ધરાવતા શિઆનમાં આકરું લોકડાઉન લાગુ કરી દીધું છે. પરિણામે શહેરીજનો માટે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500