અમેરિકામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. અમેરિકામાં કોરોનાના એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 3,12,000 કેસ આવ્યા છે. કોરોના વર્ષ-2020માં આવ્યો તેના પછી અમેરિકામાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં આવેલ આ સૌથી મોટો ઉછાળો છે. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસનો આંકડો 5.4 કરોડને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1,762 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આમ, અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો 8,42,000 પર પહોંચી ગયો છે. અમેરિકામાં કોરોનાના એક્ટિવ કેસ 1,19,81,273 છે અને 4,13,25,110 લોકો તેમાથી સાજા થયા છે. આ પહેલા અમેરિકામાં આ વર્ષે 8મી જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં 2,94,015 કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો હતો. અમેરિકામાં કેલિફોર્નિયા અને ન્યૂયોર્કમાં કોરોનાના કેસોમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે.કેલિફોર્નિયામાં છેલ્લા 24 કલાકમાં 86 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે. ન્યૂયોર્કમાં પણ દૈનિક કેસોની સંખ્યા ચિંતાજનક સ્તરે વધી છે. 4 કરોડની વસ્તી ધરાવતા કેલિફોર્નિયામાં કોરોનાનો પહેલો કેસ 25 જાન્યુઆરી 2020ના રોજ નોંધાયો હતો. તે વર્ષે નવેમ્બરમાં કેલિફોર્નિયામાં કોરોનાએ 10 લાખ કેસનો આંકડો પસાર કર્યો હતો. જ્યારે 20 લાખ કેસ થવામાં ફક્ત 44 દિવસ લાગ્યા હતા. 4 કરોડથી વધુ વસતી ધરાવતા કેલિફોર્નિયામાં કોરોનાના અત્યાર સુધી 53.8 લાખ કેસ નોંધાયા છે. જ્યારે ટેક્સાસમાં 44 લાખ અને ફ્લોરિડામાં 39 લાખ કેસ નોંધાયા છે. કેલિફોર્નિયામાં કોરોનાના લીધે સૌથી વધુ 75,500ના મોત થયા છે.
વિશ્વસ્તરે કોરોનાના કેસ સળંગ બીજા દિવસે 10 લાખથી વધુ
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના લીધે વિશ્વસ્તરે સળંગ બીજા દિવસે કોરોનાના કેસ 10 લાખથી વધારે નોંધાયા હતા. સોમવારે સમગ્ર વિશ્વમાં કોરોનાના 14.4 લાખ દર્દી નોંધાયા હતા. સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા તેમા અડધા કેસ તો એકલા અમેરિકામાં જ નોંધાયા હતા.
ફ્રાન્સમાં એક જ દિવસમાં 2 લાખથી વધુ કેસ
ફ્રાન્સમા એક જ દિવસમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા છે. કોરોનાના વધતા વ્યાપના પગલે ફ્રાન્સ સરકારે કોરોનાની રસીનો બીજો ડોઝ ન લીધો હોય તેના પ્રયાસોને વેગવંતા બનાવ્યા છે. સરકારે રસીના બંને ડોઝ લેનારાઓને જ રેસ્ટોરા, સિનેમા, થિયેટર, મ્યુઝિયમ અને સ્પોર્ટ્સમાં ભાગ લેવાની છૂટ આપી છે. ફ્રાન્સે તેની વસ્તીના 75 ટકા હિસ્સાનું સંપૂર્ણ રસીકરણ કર્યુ છે. હવે તેણે ઓમિક્રોન સામે લડવા બૂસ્ટર ડોઝના પ્રયાસો વધુ સઘન કર્યા છે. સરકાર આ વખતે લોકડાઉનના બદલે રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવીને વાઇરસનો સામનો કરવા માંગે છે.
વિશ્વમાં કોરોનાના કેસમાં 11 ટકા વધારો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ જણાવ્યું હતું કે, વિશ્વના કોરોનાના કેસોમાં ગયા સપ્તાહની તુલનાએ 11 ટકાનો વધારો થયો છે. તેમા સૌથી મોટો ફાળો અમેરિકાનો છે. યુએન હેલ્થ એજન્સીએ જણાવ્યું હતું કે, 20 થી 26 ડિસેમ્બર દરમિયાન સમગ્ર વિશ્વમાં 49.9 લાખ કેસ નવા નોંધાયા હતા. તેમા યુરાપનો ફાળો અડધા કરતાં વધારે 28.4 લાખ કેસનો હતો. આમ, યુરોપ કોઈપણ ખંડમાં સૌથી ઊંચો ચેપગ્રસ્ત દર ધરાવે છે. યુરોપમાં દર લાખે 304.6 નવા કેસ જોવા મળી રહ્યા છે. અમેરિકામાં દર લાખે 144.4 નવા કેસ જોવા મળી રહ્યા છે. આફ્રિકામાં નવા કેસો 7 ટકા વધી 2,75,000 થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500