Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીના મુખ્યમંત્રીના સરકારી બંગલાને લઇને વિવાદ : પીડબલ્યુડીએ દિલ્હીના ૬ ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી આવાસને સીલ કરાયું

  • October 10, 2024 

દિલ્હીના મુખ્યમંત્રીના સરકારી બંગલાને લઇને વિવાદ સામે આવ્યો છે. પીડબલ્યુડીએ દિલ્હીના ૬ ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી આવાસને સીલ મારી દીધુ છે. આવાસના ગેટ પર વિભાગ દ્વારા ડબલ લોક લગાવી દેવાયું છે. અરવિંદ કેજરીવાલ દ્વારા મુખ્યમંત્રીપદેથી રાજીનામુ અપાયા બાદ તેમણે આ બંગલો ખાલી કરી નાંખ્યો હતો. જે બાદ તાજેતરમાં મુખ્યમંત્રી બનેલા આતિશી આ બંગલામાં રહેવા માટે પહોંચ્યા હતા. જોકે તેમની પાછળ પીડબલ્યુડીના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને આતિશીનો સામાન બહાર કઢાવ્યો હતો. જેને કારણે દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસને લઇને વિવાદ સર્જાયો છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, અધિકારીઓ મુખ્યમંત્રી આતિશીને ફ્લેગસ્ટાફ રોડ સ્થિત સરકારી બંગલો નથી ફાળવી રહ્યા.


આ બંગલાને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખાલી કરી આપ્યો હતો. જેમાં આતિશી રહેવા માટે ગયા હતા. જોકે તેમનો સામાન અધિકારીઓએ બહાર ફેંકી દીધો હતો તેવો આરોપ આપે લગાવ્યો છે. આપનો દાવો છે કે ભાજપના ઇશારે અધિકારીઓ આ આવાસ આતિશીને ફાલવવાની ના પાડી રહ્યા છે. એક પ્રેસ કોન્ફરંસ કરીને આપના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે કહ્યું હતું કે ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી આવાસ પર કબજો કરવા માગે છે. તેને હડપી લેવા માગે છે. અને તેથી જ આતિશીને આ આવાસ ફાળવવામાં નથી આવી રહ્યું. ભાજપ દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતી શકે તેમ નથી તેથી હવે રાજ્યના મુખ્યમંત્રીનો બંગલો હડપવા માગે છે. દસ્તાવેજો દેખાડતા સંજયસિંહે કહ્યું હતું કે આ બંગલાને અરવિંદ કેજરીવાલે ખાલી કરી નાખ્યો છે. તેથી કાયદેસર રીતે આ બંગલો હવે આતિશીને ફાળવવો જોઇએ.


બીજી તરફ પીડબલ્યુડી વિભાગ અને સામાન્ય પ્રશાસન વિભાગ બન્ને સામસામે આવી ગયા છે. સામાન્ય પ્રશાસન વિભાગે પીડબલ્યુડીના ત્રણ અધિકારીઓને નોટિસ ફટકારી છે. જેમાં એક અધિકારી પૂર્વ મુખ્યમંત્રીના સચિવ છે જ્યારે બે અધિકારી લોક નિર્માણ વિભાગ સાથે જોડાયેલા છે. જોકે પીડબલ્યુડીની આ કાર્યવાહીથી ભાજપ ખુશ જોવા મળ્યો હતો. પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલનો શીશ મહેલ અંતે સીલ કરી દેવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના નેતાઓ આ બંગલો સંબંધિત વિભાગને સોંપવાને બદલે સીધા જ તેમાં ઘૂસવા માંગતા હતા, આ બંગલામાં એવા તે ક્યા રાજ છૂપાયેલા છે? એવા અહેવાલો છે કે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીનો બંગલો ખાલી કરી નાખ્યો હતો.


જે બાદ સત્તાવાર રીતે તે નવા મુખ્યમંત્રી આતિશી ફાળવવામાં આવનારો હતો. જોકે અધિકારીઓએ તેમને આ બંગલો હજુસુધી ફાળવ્યો નહોતો, આતિશી આ બંગલામાં સીધા રહેવા જતા રહ્યા હતા. જેથી બાદમાં અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આતિશીનો સામાન બહાર કઢાવ્યો હતો, બાદમાં બંગલાને સીલ મારી દીધુ હતું. હાલ દિલ્હીના મુખ્યમંત્રીને લઇને તો વિવાદ ચાલી જ રહ્યો હતો હવે મુખ્યમંત્રી આવાસને લઇને વિવાદ સામે આવ્યો છે. મુખ્યમંત્રી એક બંધારણીય હોદ્દો માનવામાં આવે છે. આતિશી જ્યારે આ બંગલામાં શિફ્ટ થઇ ગયા હતા ત્યારે તેમનો સામાન બહાર કાઢવાના બદલે બંગલો તેમને સત્તાવાર રીતે સોંપી શક્યા હોત. જોકે તેમ ના કરવાના બદલે દિલ્હીના ઉપરાજ્યપાલના ઇશારે અધિકારીઓએ આતિશીનો સામાન બહાર ફેંકી દીધો હતો તેવો આરોપ વિરોધીઓ લગાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application