કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’નું નામ બદલીને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરવામાં આવ્યું છે. આ યાત્રા તારીખ 14 જાન્યુઆરીથી શરૂ થશે. કોંગ્રેસની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ કાર્યકરોને જણાવ્યું હતું કે, કોંગ્રેસનો વિજય સુનિશ્ચિત કરવા માટે મતભેદોને છોડી દે, ટીકાઓમાં સામેલ ન થાય અથવા મીડિયામાં આંતરિક મુદ્દા ન ઉઠાવે. તેમણે આ દરમિયાન યાત્રાનું નામ બદલવાની પણ જાહેરાત કરી હતી. મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની બેઠકને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભાજપ કેન્દ્રમાં તેના 10 વર્ષની નિષ્ફળતાઓને છૂપાવવા માટે ભાવનાત્મક મુદ્દાઓ ઉઠાવી રહી છે.
તેમણે પક્ષના નેતાઓ અને કાર્યકરો બધાને આગામી લોકસભા ચૂંટણી જીતવા માટે એક થઈ મેદાનમાં ઉતરવા આહવાન કર્યુ. કોંગ્રેસની ભારત જોડે ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ ઇમ્ફાલથી શરૂ થશે. મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ થઈ આસામ જશે. તેના પછી મેદાની વિસ્તારો તરફ આગળ વધશે. આ પ્રવાસ કુલ 6,700 કિલોમીટરનો હશે. રાહુલ ગાંધી દરેક દિવસે નાગરિક સમાજના બધા વર્ગના લોકોને મળશે. ખડગેએ જણાવ્યું હતું કે, મેં કેટલાક અહેવાલ વાંચ્યા હતા કે કોંગ્રેસ આ યાત્રામાં અરુણાચલ પ્રદેશનો સમાવેશ કરી રહી નથી, હું આ પ્રકારની વાતોનું ખંડન કરું છું.
આ પહેલા 14 રાજ્ય હતા. પરંતુ હવે અરુણાચલ પ્રદેશને પણ જોડવામાં આવ્યું છે. તેનું કારણ એ હતું કે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો કે, અરુણાચલ પ્રદેશ આ યાદીમાં કેમ નથી. આગામી ત્રણ-ચાર દિવસોમાં અમે થીમ સોંગ લોન્ચ કરીશું. જયરામ રમેશે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા એક બ્રાન્ડ બની ગઈ છે. તે લોકોના મગજમાં બેસી ગઈ હતી. અમે તેનું મૂલ્ય ખોવા માંગતા નથી. તેથી સર્વસંમતિથી નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો. અમે આ યાત્રામાં જોડાવવા માટે ઇન્ડિયા બ્લોકના બધા નેતાઓને આમંત્રણ આપીશું. આ યાત્રા મણિપુરમાં 107 કિ.મી., નાગાલેન્ડમાં 257 કિ.મી., આસામમાં 833 કિ.મી, અરુણાચલમાં ૫૭ કિ.મી. હશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500