ગુજરાતમાં એક સાથે ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા ૨૦૨૪ના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કારના રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી.
આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરા ખાતે સામૂહિક આયોજીત રાજ્યકક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતા ત્રણ પુરૂષ અને ત્રણ સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરૂષ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે સાબરકાંઠાના કલ્પેશભાઇ સવજીભાઇ, બીજા ક્રમે ગીર સોમનાથના અનીલકુમાર બાંભણીયા અને ત્રીજા ક્રમે છોટાઉદેપુરના રાઠવા કરશનભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાની સ્પર્ધાના સ્ત્રી ઉમેદવારોમાં પ્રથમ ક્રમે બનાસકાંઠાના પટેલ યાના વિનોદકુમાર, બીજા ક્રમે રાજકોટના વખારીયા દષ્ટી ચેતનકુમાર અને ત્રીજા ક્રમે મહેસાણાના પટેલ પૂજા ઘનશ્યામભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા. રાજ્યક્ષાના વિજેતાઓને અનુંક્રમે ૨.૫૦ લાખ, ૧.૭૫ લાખ અને ૧ લાખનુ્ં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ મોઢેરા સૂર્ય મંદિર ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યોગ સાધકો-સૂર્ય નમસ્કાર કરનારા યુવા વર્ગને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સૂર્યની ઉપાસના અને આરાધના કરવાનો અનેરો અવસર સૂર્યમંદિર ખાતેથી પ્રાપ્ત થયો છે તે નવા વર્ષમાં નવી ઉર્જા અને ઉષ્મા સાથે દરેકના જીવનમાં આનંદ અને ઉન્માદ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં સામૂહિક સૂર્યનમસ્કારની પ્રથમ ઘટના મોઢેરા સહિત રાજ્યના ૧૦૮ સ્થળોએ નોંધાઇ છે. આ સામૂહિક સૂર્યનમસ્કાર દેશ અને દુનિયાને નવિન દિશા દર્શન આપશે. સમગ્ર રાજ્યમાં છેલ્લા એક માસમાં ૧૫ લાખથી વધુ નાગરિકો સૂર્યનમસ્કાર અભિયાનમાં જોડાયા છે. ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે રાજ્યના વિવિધ ૫૧ સ્થળોએ ૫૦ હજારથી વધુ લોકો સૂર્ય નમસ્કારમાં જોડાતાં વિશ્વ વિક્રમ નોંધાયો છે. સમગ્ર દેશમાં ૨૦૨૪ના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારની ગુજરાતની સિદ્ધીની ઐતિહાસિક નોંધ લેવાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500