Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : નિઃસંતાન પરિણીતાનું ગર્ભધારણની સારવાર દરમિયાન મોત, પરિવારે ડોક્ટર સામે કરી ફરિયાદ

  • November 21, 2023 

નવસારી જિલ્લાનાં ગણદેવીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં મહિલાની ગર્ભધારણ માટે સારવાર ચાલી રહી હતી. દરમિયાન પારિણીતાને બેભાન કરવા માટે ઇંજેક્શન અપાયુ હતું. ત્યારબાદ અચાનક પરિણીતાનું મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. દિકરીના મોત બાદ પિતાએ સાસરિયાઓ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકામાં નિઃસંતાન પરિણીતાનું ગર્ભધારણની સારવાર દરમિયાન દવાખાનામાં જ મોત નિપજતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સાસરિયાઓએ ડોક્ટર સામે ફરિયાદ કરી વહુની મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગ કરી હતી અને મૃતદેહ સુરત સિવિલ લઈ આવ્યા હતા.



ચેકઅપ કરવા માટે બેભાન કરાયા બાદ પરિણીતા હોશમાં આવી જ નથી. તબીબોનુ માનવુ છે કે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ જ મોતનું ચોક્ક્સ કારણ જાણી શકાશે. મૃતકના પિતા ગિરધારીલાલ કુમાવતએ જણાવ્યું હતું કે, દિકરી ભાવનાના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ અશોક કુમાવત સાથે થયા હતા. બન્નેના બીજા લગ્ન હતા. લગ્નના એક વર્ષ સુધી દીકરીનો સંસાર સુખમય હતો. ત્યારબાદ દહેજના ભૂખ્યા સાસરિયાઓએ 7 લાખની માંગણી કરી દીકરીને ઝેર પીવડાવી દીધું હતું. જોકે ત્યારે દીકરીનો આબાદ બચાવ થતા સમાજના મોભીઓને વચ્ચે પાડી 6 લાખ આપ્યા હતા.



ત્યારબાદ દીકરીનો સંસાર ઉજડતા અટકી ગયો હતો. દહેજ આપવામાં મોડું થતા વેવાઈઓએ આવું કૃત્ય આચર્યું હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો. વધુમાં પિતાએ જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી દીકરીને સાસરિયાઓ નિઃસંતાન હોવાથી ત્રાસ આપી રહ્યા હતા. જયારે સોમવારની સવારે બનેલી ઘટના બાદ પણ પરિણીતાના પિયરમાં જાણ કરાઈ ન હતી. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ મૃતદેહ લઈને ફરતા રહ્યા. પોલીસે ફરિયાદ પણ ન લીધી. કોઈ કહેવા તૈયાર જ નથી કે દીકરીના મોત પાછળ જવાબદાર કોણ? આપઘાત કર્યો કે કેમ? ઝેર પીધું કે પીવડાવાયું એ પણ એક પ્રશ્ન છે. બસ અમને ન્યાય મળે એવી આશા રાખીને દીકરીના મૃતદેહને ફોરેન્સ્ટિક પોસ્ટ મોર્ટમ માટે સુરત સિવિલ લઈ આવ્યા છે.



મૃતકના કાકા સસરા સાંઈલાલ કુમાવતએ જણાવ્યું હતું કે, પરિણીતાનો પતિ અશોક કરીયાણાની દુકાન ચલાવે છે. સાથે ફ્લોર મિલનો માલિક છે. તેમજ રાજસ્થાનનો રહેવાસી છે. લગ્ન બાદ બન્નેનું દામ્પત્ય જીવન સુખમય ચાલી રહ્યું હતું. જોકે ભાવના અને અશોક નિઃસંતાન હતા. એટલે 6 મહિનાથી ભાવનાની નવસારીના ડોક્ટર પાસે ગર્ભધારણ રહે તે માટે સારવાર ચાલી રહી હતી. દરમિયાન સોમવારે ચેકઅપ માટે ડોક્ટરે ભાવનાને બેભાન કરી હતી. ત્યારબાદ ભાવના હોશમાં ન આવતા તેને ગણદેવીની હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. જ્યાં તેનું મોત નિપજતા અમે પોલીસ ફરિયાદ પણ કરી છે. મૃત્યુનું સચોટ કારણ જાણવા મૃતદેહ સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે લઈ આવ્યા છે. જોકે સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application