તોડકાંડની ઝપેટમાં આવેલા યુવરાજે ત્રણ મહિના પૂર્વે જ ગાંધીનગર જિલ્લાના દહેગામમાં એક લક્ઝુરિયસ બંગલો ખરીદ્યો હોવાની વિગતો સામે આવી છે. આ મિલકતની હજુ દસ્તાવેજ નોંધણી કરવાની બાકી છે. પરંતુ તેણે જંત્રી વધે તે પૂર્વે જ 1.47 લાખની સ્ટેમ્પ ડયૂટી ભરીને સ્ટેમ્પ ખરીદ્યો હોવાની વિગતો હાથ લાગી છે. એટલું જ નહિ એજ સોસાયટીના એક બંગલામાં તે પરિવાર સાથે ભાડેથી રહેતો હતો. જે બંગલો હાલમાં બંધ કરીને પરિવાર ત્યાંથી ગાયબ થઈ ગયો છે.
યુવરાજે ડમીકાંડના ઘટસ્ફોટ કરતા સમયે હજુ ત્રણેક મહિના પહેલા જ દહેગામમાં નાંદોલ રોડ પાસે વ્રજગોપી રેસિડેન્સી સ્કીમમાં બંગલા નં-29 ખરીદ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ બંગલો અમદાવાદમાં નહેરુનગર રહેતા મનનભાઈ ભરતભાઈ દોશી પાસેથી ખરીદ્યો છે. આ બંગલાની કિંમત અત્યારે 60 લાખની આસપાસની બોલાય છે. દહેગામ સેવા સદનમાં ઈ-ધરાના જનસેવા કેન્દ્રની સ્ટેમ્પ ડયૂટી વિભાગમાં તેણે ગત 12 એપ્રિલના રોજ 30 લાખના 4.9 ટકા લેખે 1.47 લાખ સ્ટેમ્પ ડયૂટી પણ ભરી છે.
સ્ટેમ્પ પેપર ઉપર ફર્સ્ટ પાર્ટી તરીકે યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા એન્ડ અધર તથા સેકન્ડ પાર્ટીમાં મનન ભરતભાઈ દોશીનો ઉલ્લેખ કરેલો છે. સ્ટેમ્પ ડયૂટી યુવરાજે પોતે ભરી છે. જેના ઉપરથી પાક્કુ થઈ જાય છે કે, યુવરાજ દહેગામમાં લાખોની કિંમતના બંગલાની ખરીદીની પુરેપુરી ગોઠવણ કરી ચૂક્યો હતો. આ સોસાયટીમાં યુવરાજ બંગલા નં.39માં માસિક રૂ.9,500ના ભાડાથી રહેતો હતો. આ બંગલાનો માલિક શિક્ષક ગાંધીનગર રહે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500