દુનિયાભરમાં કોરોનાના તીવ્ર ગતિએ ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટનો ભય ફેલાયેલો છે એવામાં ફ્રાન્સમાં વૈજ્ઞાનિકોએ કોરોનાનો વધુ એક નવો વેરિઅન્ટ 'આઈએચયુ' શોધી કાઢ્યો છે, જે ઓમિક્રોન કરતાં પણ વધુ ઝડપે ફેલાય છે. વૈજ્ઞાનિકોની શોધમાં સામે આવેલા બી.૧.૬૪૦.૨ એટલે કે આઈએચયુ વેરિઅન્ટ અંગે દાવો કરાઈ રહ્યો છે કે, તે કોરોના વિરોધી રસી લગાવી ચૂકેલા અને એક વખત સંક્રમિત થઈ ગયેલા લોકોને પણ શિકાર બનાવી શકે છે. સંશોધકોનું કહેવું છે કે, આ વેરિઅન્ટના ૪૬ મ્યુટેશન હોઈ શકે છે, જે ઓમિક્રોનની સરખામણીએ ઘણા વધુ છે.આ નવા વેરિઅન્ટના ઓછામાં ઓછા ૧૨ કેસ માર્સિલિસમાં જોવા મળ્યા છે. બધા જ સંક્રમિત લોકો આફ્રિકન દેશ કેમરૂનના પ્રવાસેથી પાછા ફર્યા હતા. અત્યારે દુનિયાભરમાં ઓમિક્રોન વેરિઅન્ટ સૌથી મોટું જોખમ છે, પરંતુ આઈએચયુ વેરિઅન્ટનું જોખમ પણ ઝડપથી વધી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તપાસમાં જણાયું છે કે, ફ્રાન્સ ઉપરાંત અન્ય કોઈ દેશમાં આ વેરિઅન્ટનો કેસ હજુ સુધી સામે આવ્યો નથી. જોકે, આ દરમિયાન મહામારી વૈજ્ઞાનિક એરિક ફેગલ ડિંગે ટ્વીટર પર જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિઅન્ટ્સ સામે જરૂર આવી રહ્યા છે, પરંતુ તે જૂના વેરિઅન્ટ્સ જેટલા ખતરનાક છે કે નહીં તે કહી શકાય તેમ નથી. કોરોનાના વેરિઅન્ટસ અંગે જે ચિંતા વ્યક્ત થઈ રહી છે, તેમાં જેના મ્યુટન્ટ વધુ થાય છે તે સૌથી વધુ ખતરનાક છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500