Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ ધારાવી ઝૂંપડપટ્ટીનાં પુન:વિકાસ પ્રોજેક્ટ અદાણી જૂથ કરશે

  • November 30, 2022 

અદાણી જૂથ ગતરોજ મુંબઈમાં ધારાવીનાં ઝૂંપડપટ્ટીના પુન:વિકાસના પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યું છે. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું હતું કે, ગૌતમ અદાણીની આગેવાની હેઠળના સમૂહે પ્રોજેક્ટ માટે રૂપિયા  5,069 કરોડની બિડ સબમિટ કરી હતી, જ્યારે ડીએલએફ ગ્રૂપે રૂપિયા 2,025 કરોડની બોલી કરી હતી. શ્રીનિવાસે જણાવ્યું કે, બિડમાં કુલ 3  બિડર હતા.



જોકે માત્ર અદાણી અને DLF અંતિમ બિડિંગમાં ક્વોલિફાઈ થયા જ્યારે અન્ય બિડર નમન ગ્રુપ ક્વોલિફાઈ નહોતા થયા. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમનું કાર્યાલય રાજ્ય સરકારનો સંપર્ક કરીને હવે પછી લેવાનારા પગલા વિશે નિર્ણય કરશે અને પ્રોજેક્ટ માટે વિશેષ કમિટીનું ગઠન કરશે. પ્રોજેક્ટ હેઠળ સ્લમના 6.5 લાખ રહેવાસીઓનું પુનર્વસન કરાશે જેઓ હાલ 2.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા એરીયામાં નિવાસ કરી રહ્યા છે.




તેમાં વિશ્વના સૌથી મોટા સ્લમ ગણાતા ધારાવીમાં ઈમારતો અને અનૌપચારિક ટેનામેન્ટના પુન:વિકાસ તેમજ પાણી પુરવઠા અને ગટર જેવી માળખાકીય સુવિધાઓનો વિકાસ સામેલ હશે. અદાણી જૂથ અને રાજ્ય સરકારની સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પ્રોજેક્ટનાં અમલીકરણ માટે સ્પેશિયલ પરપઝ વેહિકલની રચના કરશે. પ્રોજેક્ટ સાત વર્ષમાં પૂરો થવાની ધારણા છે એવી જાણકારી શ્રીનિવાસે આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં પ્રિ-બિડ મીટિંગમાં દક્ષિણ કોરિયા અને યુએઈ સ્થિત કંપનીઓ સહિત 8 કંપનીઓએ હાજરી આપી હતી. જોકે એમાંથી માત્ર અદાણી જૂથ, ડીએલએફ અને મુંબઈ સ્થિત નમન ડેવલપર્સે પ્રોજેક્ટ માટે બિડ કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application