ગુજરાત મહીલા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી મેળવેલા એક લાખનાં લોન ધિરાણનાં બાકી હપ્તાનાં પેમેન્ટ પેટે આપેલ રૂપિયા 83,841/-નાં ચેક રીટર્ન કેસમાં આરોપી મહીલા સભાસદને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હરેશકુમાર વી.જોટાણીયાએ દોષી ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે. પુણાગામ ઈશ્વરપાર્ક સોસાયટીમાંથી રહેતા તથા હેન્ડવર્કનું કામકાજ કરતા સપનાબેન સાગર નારીયાએ તા.18-6-18નાં રોજ ગુજરાત મહીલા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી રૂપિયા એક લાખની લોન ધિરાણ મેળવ્યું હતુ. જે માસિક રૂપિયા 2,778/-નાં હપ્તાથી વ્યાજ સહિત નિયત મુદતમાં ચુકવવાનું હતુ.
પરંતુ લોનનાં હપ્તા નિયમિત ન ભરાતા વ્યાજ સહિત કુલ બાકી લોનનાં હપ્તાની ઉઘરાણી થતાં મહીલા સભાસદે રૂપિયા 83,841/-નો ચેક લખી આપ્યા હતા. જે રીટર્ન થતાં ક્રેડીટ સોસાયટીનાં ફરિયાદી મેનેજર વિજય બી.સાવલીયાએ ચેક રીટર્નનો કેસ કર્યો હતો. જેના વિરોધમાં આરોપીનાં બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદીનું કાયદેસરનું લેણુ ન હોવા તથા સિક્યોરીટી પેટે ચેક આપેલો હોઈ ધિરાણ ક્યારે મેળવ્યું તેવા પુરાવાને અભાવે નિર્દોષ છોડવા માંગ કરી હતી. અલબત્ત કોર્ટે રેકર્ડ પરના પુરાવા ને ધ્યાને લઇ આરોપીને એક વર્ષની કેદ 60 દિવસમાં ચેકની લેણી રકમ ન ચૂકવે તો વધુ બે માસની કેદની સજા ફટકારી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, આરોપીએ ધિરાણ મેળવવા ક્યારે અરજી કરી તે જણાવવા માત્રથી કાયદેસરનું દેવું નથી તેવી બચાવપક્ષની દલીલ માન્ય રાખી શકાય તેમ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500