વાપી જી.આઈ.ડી.સી. પોલીસ મથકની હદમાં ભડકમોરા ચાર રસ્તા પાસે રૂપિયા ૨૫૦૦ નહિ આપતા સાથી મજૂરને માથામાં પથ્થર મારી હત્યા કરનાર આરોપીને વાપીની થર્ડ એડિશનલ સેશન્સ કોર્ટે હત્યાના ગુનામાં તકસીરવાર ઠેરવી આજીવન કેદ તથા રૂપિયા ૯ હજારનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો હતો. આ કેસની હકીકત એવી છે કે, વાપી ઉદ્યોગનગર પોલીસ તારીખ ૮-૨-૨૦૨૨નાં રોજ વાપી જી.આઈ.ડી.સી. ચાર રસ્તાથી કેબીએસ કોલેજ ચાર રસ્તા સુધી પી.સી.આર. વાહનમાં પેટ્રોલિંગમાં હતી.
તે સમયે ભડકમોરા ચાર રસ્તા હનુમાનજી મંદિર પાસે આવેલા પીપળાનાં ઝાડ પાસે બે ઈસમો ઝઘડો કરતા હોય તે અને એક ઈસમે બીજાને નીચે પટકી તેના માથાના પાછળના ભાગે મોટો પથ્થર મારી ત્યાંથી નાસવા લાગેલ હોય તે જોઈ પોલીસે તથા ત્યાં હાજર લોકોએ તેને પકડવા પ્રયત્ન કરેલો અને આ ભાગતા ઈસમને પકડી લીધો હતો, બીજી તરફ ઘવાયેલા ઈસમને ૧૦૮માં સરકારી હોસ્પિટલ ચલા ખાતે સારવાર માટે લઈ જતા ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં એએસઆઈ અમૃતલાલ નારણભાઈ પોતે ફરિયાદી બની ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નિરજ શ્યામલાલ (ઉ.વ.૨૨, હાલ રહે.ભડકમોરા, મૂળ ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.
સાથે કબૂલ્યું હતું કે મરણ જનાર રિન્કુ જેના પૂરા નામ-ઠામની ખબર નથી તેની સાથે મળી મજૂરીકામ કર્યુ હતું તેના રૂપિયા ૨૫૦૦ આવ્યા હતા તે રિન્કુ પાસે હતા તે રૂપિયાની માંગણી કરતા તેણે આપવાનો ઈનકાર કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટનામાં વાપી જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ મામલો વાપીના થર્ડ એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો જેની સુનાવણીમાં સરકારી વકીલ રાકેશ ચાંપાનેરીયાએ ધારદાર દલીલો રજૂ કરતા તેમની દલીલ ગ્રાહ્ય રાખી વિદ્વાન ન્યાયાધીશ પુષ્પાબેન સૈનીએ આરોપી નિરજકુમાર શ્યામલાલને હત્યાના ગુનામાં તકસીરવાર ઠેરવી આજીવ કેદની સજા અને રૂપિયા ૯ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500