સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના કોસંબા ગામે રહેતો ૧૭ વર્ષનો તરૂણ કામરેજના નવી પારડીથી પસાર થતી નહેરમાં સંબંધી સાથે નહાવા જતા તરતા આવડતું ન હોય તણાઈ ગયો હતો. જે તરૂણની ત્રીજા દિવસે ઓલપાડના પારડી ભાદોલી ગામની સીમમાં લાશ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, માંગરોલ તાલુકાના કોસંબા ગામે જગદીશ ભવરલાલ રાઠોડ (ઉ.વ.૧૭., મુળ રહે.વલદરા, જિ.ઝાલોર, રાજસ્થાન) બપોરના સમયે પોતાના સંબંધી સાથે કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેરના પાણીમાં નાહવા માટે ગયો હતો.
જગદીશ રાઠોડને તરતા આવડતું ન હતું અને નહેરના પાણીમાં નાહવા જતાં અચાનક પગ લપસી જતાં ઊંડા પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. જગદીશ રાઠોડની સગા સંબંધીઓએ શોધખોળ કરવા છતાં ન મળતા કામરેજ પોલીસમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ત્રીજા દિવસે એટલે કે રવિવારે સાંજના સમયે ઓલપાડ તાલુકાના પારડી ભાદોલી ગામની સીમમાંથી પસાર થતી ભાદોલ માઈનોર નહેરના પાણીમાંથી જગદીશ રાઠોડની લાશ મળી આવી હતી. કીમ પોલીસે લાશ બહાર કાઢી જગદીશ રાઠોડના કાકા બદારામ ભદારામ રાઠોડને ફોન કરી જણાવતાં બદારામ રાઠોડ સબંધીઓ સાથે સ્થળ ઉપર પહોંચતા જગદીશ રાઠોડની લાશની ઓળખ કરતાં કીમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500