યુએસ કોસ્ટગાર્ડ અને રોયલ નેધરલેન્ડ નેવીના સંયુક્ત ઓપરેશનમા આંતરરાષ્ટ્રીય બજારમાં 6.3 કરોડ ડોલરનું (526.17 કરોડ રૂપિયા) મૂલ્ય ધરાવતા 2,177 કિલો કોકેઇનને જપ્ત કરવામાં આવ્યું છે. વેનેઝુએલાના પ્યુઅર્ટે કેબેલોથી 40 કિ.મી. ઉત્તરે કેરેબિયન સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને રોયલ નેવી બંનેએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું, એમ યુએસ કોસ્ટગાર્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું. આ પોસ્ટમાં બંને એજન્સીઓના ઓફિસરોને કન્ટેનરોને ઓફાલોડિંગ કરતાં જોઈ શકાય છે.
અમેરિકામાં એક જ સપ્તાહમાં બીજી વખત જોવા મળ્યું છે કે કોઈ જહાજને કોકેઇન લઈ જતું હોવાની સંભાવનાએ આંતરવામાં આવ્યું હોય અને આ રીતે સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હોય. મંગળવારે કોસ્ટગાર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેરેબિયન સમુદ્રમાં નાર્કોટિક્સની દાણચોરી કરનારાઓને તેમની ટીમે આંતર્યા હતા. આ જહાજે અટકી જવાના આદેશને માનવાનો ઇન્કાર કર્યો હતો અને તેની સ્પીડમાં વધારો કર્યો હતો અને તેની દિશા ડચ બોટ તરફ કરી હતી.
તેના પગલે બોટ પરની ડચ ટુકડી અને યુએસ કોસ્ટ ગાર્ડે આત્મરક્ષા માટે ગોળીબાર કર્યો હતો. તેના પગલે જહાજમાં આગ લાગી હતી અન તે ડૂબી ગયું હતું. આગ લાગી ત્યારે ત્રણ સ્મગલરો બોટ પર હતા. યુએસ કોસ્ટ ગાર્ડ અને ડચ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેઓએ આ બોટ પર સવાર ત્રણ જણને તપાસવા માટેનું અભિયાન પૂરુ જાહેર કર્યુ છે. તેમના સગડ હજી સુધી મળ્યાં નથી. આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડ કે રોયલ નેવી ઓફ હોલેન્ડના સૈનિકોમાંથી કોઈને ઇજા પહોંચી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500