ઉત્તરપ્રદેશનાં 30થી વધારે જિલ્લાઓમાં પાછલા 24 કલાક કરતાં પણ વધારે સમયથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ અયોધ્યા, લખનૌ, કાનપુર, નોએડા, ગાઝિયાબાદ, પ્રયાગરાજ જેવા તમામ જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદ અને આંધીની પણ આગાહી છે.
જોકે ભારે વરસાદનાં કારણે લખનૌમાં નિર્માણાધીન દીવાલ ધસી પડવાનાં કારણે 7 લોકોના મોત થયા છે અને 2 લોકોને ઈજાઓ પહોંચી છે. દિલકુશા વિસ્તારમાં દીવાલ ઘસી પડવાનાં કારણે તેની આડશમાં ઝૂંપડી બનાવીને રહેતા 7 મજૂરો દટાઈ ગયા હતા. તે સિવાય ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે સાથે જ તમામ ઈજાગ્રસ્તોને ફ્રીમાં સારવાર આપવા આદેશ કર્યો છે. દુર્ઘટના સ્થળેથી 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દીવાલનું બાંધકામ કરી રહેલા મજૂરો રાતે ત્યાં જ રોકાઈ ગયા હતા અને ગતરોજ ભારે વરસાદનાં કારણે તે દીવાલ ધસી પડી હતી. ઘટના સ્થળે પહોંચેલા રાહત દળે મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500