વાતાવરણ અચાનક પલટાઇ જતાં દિલ્હી અને ઉત્તર પ્રદેશના લોકોને ગરમીથી રાહત મળી છે. બિહારમાં વીજળી અને કરા પડવાને છેલ્લા ૨૪ કલાકમાં ૬૧ લોકોનાં મોત થયા છે. ઝારખંડમાં પણ વીજળી પડવાને કારણે ચાર લોકોનાં મોત થયા છે. બિહારમાં કરા પડવા સહિતની વરસાદ આધારિત ઘટનાઓમાં ૩૯ લોકોનાં મોત થયા છે. જ્યારે વીજળી પડવાને કારણે ૨૨ લોકોનાં મોત થયા છે. બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે મૃત્યુની ઘટનાઓ અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. દિલ્હી-એનસીઆરમાં શુક્રવારની સાંજે હવામાન પલટાયું હતું. ઝડપી ધૂળવાળી આંધીથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું હતું. પૂર્વ દિલ્હીના મધુ વિહાર પોલીસ સ્ટેશનમાં ઝડપી આંધીથી નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ તૂટી પડવાને કારણે એક વ્યકિતનું મોત થયું છે. ખરાબ હવામાનને પગલે દિલ્હીમાં રાત્રે ૯ વાગ્યા સુધીમાં ૧૫ ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. ખરાબ હવામાનને પગલે ભારતીય હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર માટે રેડ એલર્ટ જારી કરી છે.
દિલ્હીમાં વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીના અનેક વિસ્તારોમાં ઝડપી પવનને કારણે વૃક્ષો ધરાશયી થયા છે. ફલાઇટની સાથે દિલ્હી મેટ્રોની સેવાઓ ઉપર પણ અસર પડી હતી. ઓવરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રોને સાવચેતીના પગલારૂપે મર્યાદિત ગતિથી ચલાવવામાં આવી હતી. જેના કારણે મેટ્રોના સમયમાં વિલંબ થયો હતો. વિલંબને કારણે સ્ટેશન પર લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડયો હતો. રાજ્યના પર્વતીય વિસ્તારોમાં સામાન્ય બરફવર્ષા થઇ હતી. ધર્મશાળામાં ૩૭ મિમી, ડેલહાઉસીમાં ૨૧ મિમી, ગોહરમાં ૧૯ મિમી, કાંગ્રામાં ૧૪.૨ મિમી, પાનદોહમાં ૧૪ મિમી, મંડીમાં ૮ મિમી, સાંગલામાં ૭.૪ મિમી, શિમલામાં ૭ મિમી, ગુલેરમાં ૫.૬ મિમી વરસાદ પડયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500