કિર્ગિસ્તાન દેશમાં સ્થાનિકો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસાની ઘટનાને લઈને રાજધાની બિશ્કેકમાં ભારે વિવાદ સર્જાયો છે. જેને લઈને છેલ્લા ઘણા દિવસોથી ત્યાં ફસાયેલા ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન છોડી ભારત પરત ફરી રહ્યા છે. તેવામાં બનાસકાંઠાના પણ 8 વિદ્યાર્થીઓ આવતીકાલે અમદાવાદ પરત ફરી રહ્યા છે. ભોજન-પાણીની તંગી વચ્ચે હિંસાથી બચવા માટે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે બુધવારે મોટી સંખ્યામાં પોલીસ દ્વારા ગુજરાતી વિદ્યાર્થીઓને સહીસલામત પ્રોટેક્શમાં એરપોર્ટ પહોંચાડાતાં વિદ્યાર્થીઓ ભારત પરત ફરી રહ્યા છે.
તેવામાં શુક્રવારે બનાસકાંઠાના 8 વિદ્યાર્થીઓને લઈને કિર્ગિસ્તાનથી ફ્લાઇટ અમદાવાદ પહોંચશે. વિદ્યાર્થીઓના ચિંતિત માતાપિતાએ હાલ ગમે તે ભોગે ભારત પરત આવી જવાનું જણાવતાં મોટાપાયે ગુજરાતી વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન છોડી રહ્યા છે. ભણતર માટે ગયેલ વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં ફસાયેલા છે. એમબીબીએસના અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ 12 દિવસથી ફસાયા છે. ત્યારે ચિંતિત માતા પિતાએ પોતાના બાળકોને પરત બોલાવી લીધા છે અને આવતીકાલે વિદ્યાર્થીઓ વતનમાં પરત ફરશે. નોંધનીય છે કે ગુજરાતના 500 વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરે છે.
છેલ્લા 12 દિવસથી કિર્ગિસ્તાનમાં હિંસા ભડકેલી છે અને વિદ્યાર્થીઓ સાથે મોબાઈલની લૂંટ અને અન્ય ચીજ વસ્તુઓની લૂંટ ચલાવી રહી છે. અહીં પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને વધુ પ્રમાણમાં ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. કિર્ગિસ્તાનમાંથી ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અહીં વિદેશી વિદ્યાર્થીઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. બિશ્કેકમાં ભારતીય એમ્બસીએ રવિવારે કહ્યું હતું કે ત્યાં સ્થિતિ હવે સામાન્ય છે અને ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. એક્સ પર એક પોસ્ટમાં દૂતાવાસે લખ્યું હતું કે "બિશ્કેકમાં સ્થિતિ સામાન્ય છે. તમામ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે." અગાઉની એક પોસ્ટમાં, કિર્ગિસ્તાનમાં ભારતીય એમ્બસીએ જણાવ્યું હતું કે, "અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ.
હાલમાં પરિસ્થિતિ શાંત છે પરંતુ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યારે ઘરની અંદર જ રહે અને કોઈ સમસ્યા હોય તો અમારો સંપર્ક કરો. અમારો 24x7 સંપર્ક નંબર 0555710041 છે." ભારતીય એમ્બેસીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમને કિર્ગીઝરિ પબ્લિકમાં અધિકારીઓ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવાનું ચાલુ રાખવા વિનંતી કરવામાં આવે છે. કોઈપણ સમસ્યાના કિસ્સામાં, વિદ્યાર્થીઓ 0555710041 પર એમ્બેસીનો સંપર્ક કરી શકે છે. સાથે જ કિર્ગિસ્તાનમાં ભારતીય એમ્બસીએ ભારતીય વિદ્યાર્થીઓને ઘરની અંદર રહેવા અને ભારતીય એમ્બસીનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500