Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશનાં કાનપુર શહેરમાં ઠંડીનાં કારણે હાર્ટ અને બ્રેઈન એટેકથી 25નાં મોત

  • January 07, 2023 

ઉત્તર ભારતમાં આકરી ઠંડી યથાવત્ છે. ઉત્તર પ્રદેશનાં કાનપુર શહેરમાં ઠંડીનાં કારણે હાર્ટ અને બ્રેઈન એટેકનું જોખમ વધ્યું છે. એક જ દિવસમાં શહેરમાં 25 લોકોનાં મોત હાર્ટ અને બ્રેઈન એટેકથી થયા હતા. જોકે ઠંડીથી લોહી જામી જતું હોવાથી અચાનક બ્લડ પ્રેશર વધી જવાના બનાવો સામે આવ્યા હતા. કાનપુરમાં 723 લોકોએ હૃદયમાં દુખાવાની ફરિયાદ કરીને સારવાર લીધી હતી.
દેશભરમાં શીતલહેરની સ્થિતિ છે. એમાંય ઉત્તર ભારતમાં ગાત્રો શિથિલ કરતી ઠંડીનો પ્રકોપ વર્તાય છે. પાટનગર દિલ્હીમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડીની લહેર અનુભવાઈ હતી. લઘુત્તમ તાપમાનનો પારો 1.8 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. ગાઢ ધુમ્મસનાં કારણે વાહન-વ્યવહાર-ટ્રેનના આવાગમનને અસર પહોંચી હતી.



જોકે 26 ટ્રેનને રોકી રાખવાની ફરજ પડી હતી, તો દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 30 ફ્લાઈટને મોડી કરવી પડી હતી. પાટનગર દિલ્હીમાં શિમલા, ધર્મશાળા, દેહરાદૂન, ડેલ્હાઉસી, નૈનીતાલ કરતાં પણ વધારે આકરી ઠંડી પડી હતી અને આ સ્થળો કરતાં દિલ્હીનું તાપમાન ઓછું નોંધાયું હતું. ઉત્તર પ્રદેશમાં કેટલાય જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયો હતો. એક સપ્તાહ સુધી બર્ફિલી હવા ફૂંકાવાની શક્યતા છે અને તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે.



કાનપુર શહેરમાં તો છેલ્લાં ચાર-પાંચ દિવસથી લોકોએ સૂર્યનારાયણના દર્શન સુદ્ધાં કર્યા નથી. આવી સ્થિતિ વચ્ચે શહેરીજનોએ હૃદયમાં દુખાવાની વ્યાપક ફરિયાદ કરી હતી. 24 કલાકમાં 723 લોકો હૃદયની ફરિયાદ સાથે સરકારી હાર્ટ હોસ્પિટલમાં દાખલ થયા હતા, એમાંથી 39 દર્દીઓના ઓપરેશન કરાયા હતા. હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકથી 25 દર્દીઓનાં મોત થયા હતા. નિષ્ણાતોના કહેવા પ્રમાણે અતિશય ઠંડીના કારણે હૃદયની આસપાસની નળીઓમાં બ્લડ જામી જાય છે અને તેનાથી બ્લડ પ્રેશરની સ્થિતિ સર્જાતી હોવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે.



ડોક્ટરોએ 60 વર્ષથી વધુ વયના લોકોને આકરી ઠંડીમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
યુપી ઉપરાંત હરિયાણા-પંજાબમાં તાપમાનનો પારો સતત ગગડયો હતો. હરિયાણાના નારનૌલમાં લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી, જ્યારે પંજાબનાં બાલાચૂરમાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી નોંધાયું હતું. સરેરાશ બધા જ શહેરો ઠંડાગાર રહ્યા હતા. બંનેનાં સંયુક્ત પાટનગર ચંડીગઢનું તાપમાન પાંચ ડિગ્રીએ પહોંચી જતાં જનજીવન ખોરવાયું હતું. રાજસ્થાનનાં ફતેહપુરમાં શૂન્ય સુધી પારો ગગડી ગયો હતો.



જમ્મુ-કાશ્મીરમાં કાતિલ ઠંડીનો દૌર ચાલી રહ્યો છે. માઈનસ 5થી 6 ડિગ્રીમાં આખું કાશ્મીર ઠૂંઠવાયું હતું. શ્રીનગરમાં અસહ્ય ઠંડી અને ઠંડાગાર પવન વચ્ચે પાણીની પાઈપલાઈનો જામી ગઈ હતી. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, આખાય ભારતમાં ઠંડીની જે લહેર આવી છે, તેમાં આવતા સપ્તાહથી રાહત થશે. 10મી જાન્યુઆરી પછી કોલ્ડવેવ અને ઠંડો પવન ફૂંકાવાનું ઘટતા રાહતનો અનુભવ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application