તાપીમિત્ર ન્યુઝ,સુરત:સરદાર માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા અને પુણા ઇન્ટરસીટી નજીક રાજમંદિર પેલેસમાં રહેતા વેપારીનો ઉઘરાણી ક્લાર્ક વેપારી પાસેથી ઉઘરાણીના રૂ.૭ લાખ લઇ પોતાના મોપેડ ઉપર જતો હતો ત્યારે ઇન્ટરસીટી હોલ નજીક મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યાએ તેની મોપેડને ટક્કર મારી અટકાવ્યા બાદ રોકડ ભરેલી બેગ ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો. ઉઘરાણી ક્લાર્કે તેમનો પ્રતિકાર કરતા બંને તેને ચપ્પુ બતાવી રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઇ ગયા હતા. મૂળ સુરેન્દ્રનગરનો વતની અને સુરતમાં અલથાણ ડી માર્ટની સામે રહેતો હિતેશ મગનભાઈ સુતરીયા સરદાર માર્કેટમાં જય જલારામ શબ્જી ભંડારના નામે શાકભાજીનો વેપાર કરતા અને પુણા ઇન્ટરસીટી નજીક રાજમંદિર પેલેસમાં રહેતા વેપારી સુરેશભાઈ મફતલાલ ઠક્કરને ત્યાં ઉઘરાણી ક્લાર્ક તરીકે નોકરી કરે છે. હિતેશ સુરેશભાઈના ઘરેથી વેપારીઓના તેમજ ખેડૂતોના લેવડદેવડના રોકડા રૂ.૭ લાખ કાળા રંગની એક બેગમાં મૂકી તે બેગ પોતાના એક્ટીવામાં આગળ પગ વચ્ચે રાખી નીકળ્યો હતો. લગભગ બાર વાગ્યાના અરસામાં તે ઇન્ટરસીટી હોલ પહેલા રોડ ઉપરથી પસાર થતો હતો ત્યારે નંબર વિનાની એફ.ઝેડ મોટરસાયકલ ઉપર ૩૦ થી ૩૫ વર્ષના બે અજાણ્યાએ આવી તેની મોપેડને ટક્કર મારી અટકાવી હતી. પાછળ બેસેલા કાળા કલરનું જેકેટ,જીન્સ પેન્ટ અને સ્પોર્ટસ શૂઝ પહેરેલા યુવાને રોકડ ભરેલી બેગ ઝુંટવવા પ્રયાસ કરતા હિતેશે પ્રતિકાર કર્યો હતો. આથી તેણે ચપ્પુ બતાવ્યું હતું અને રોકડ ભરેલી બેગ લૂંટી હેલ્મેટ પહેરેલા મોટરસાયકલ ચાલક સાથી સાથે બેસી ગયો હતો. મોટરસાયકલ ચાલક ઇન્ટરસીટીથી આઈમાતા રોડ તરફ રોંગ સાઇડ જતા હિતેશે તેમનો પીછો પણ કર્યો હતો. પરંતુ તેઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. બનાવ અંગે હિતેશે સુરેશભાઈ અને પોલીસને જાણ કરતા પુણા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જે સ્થળે બનાવ બન્યો હતો ત્યાં સીસીટીવી કેમરા બંધ હોય પોલીસને કોઈ કડી હાથ લાગી ન હતી. પોલીસને હિતેશ ઉપર પણ શંકા ગઈ હતી. પરંતુ તેની તપાસમાં બાદમાં કોઈ શંકાસ્પદ બાબત નહીં લાગતા પોલીસે તેની ફરિયાદ નોંધી લૂંટારૂઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી.હિતેશ રોજ આ રીતે જ પૈસા લઇ જતો હોય તેની રેકી કરી લૂંટની આ ઘટનાને અંજામ અપાયો હોવાનું પોલીસ માની રહી છે. વધુ તપાસ પીએસઆઇ એસ.એન.સંગારકા કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application