તાપીમિત્ર ન્યુઝ,સુરત:પાંડેસરા ડી-માર્ટ નજીક સર્વિસ રોડ પરથી મોટરસાઇકલ ઉપર પસાર થઇ રહેલા યાર્ન પેઢીના મેનેજરને મોપેડ સવાર ત્રણ લુંટારૂઓએ આંતરી ચપ્પુની અણીએ બાનમાં લઇ રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧૫ હજારની મત્તા લૂંટીને ભાગી ગયા હતા. ઉધના વેલકમ પાન સેન્ટરની પાછળ રામનગર સોસાયટી રહેતા ૨૬ વર્ષિય જયકુમાર રણજીત પટેલ અઠવાલાઇન્સ સ્થિત તિરૂપતી પ્લાઝામાં આવેલી ઈશ્વર યાર્ન નામની પેઢીના મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ જયકુમાર અલથાણ સ્થિત પુરૂષોત્તમ નગરમાં માસીના દિકરાના લગ્નમાં ગયો હતો. જ્યાંથી રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં મોટરસાઇકલ પર પરત ઘરે જઇ રહ્યો હતો ત્યારે પાંડેસરા ડી-માર્ટ નજીક સર્વિસ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મોપેડ પર ત્રણ લુંટારૂ ઘસી આવ્યા હતા અને જયને અટકાવ્યો હતો. જય ને અટકાવી ત્રણ પૈકીના એક લુંટારૂએ ચપ્પુની અણીએ બાનમાં લઇ મોબાઇલ ફોન અને પર્સ લુંટી લીધું હતું અને તુને પોલીસ કો હમારે બારે મેં બતાયા યા કોઇ ફરિયાદ કી તો તુઝે જાન સે માર દેંગે તેવી ધમકી ઉચ્ચારી લુંટ ચલાવી ભાગી ગયા હતા. લુંટારૂઓની ધમકીથી ડરી જનાર જય પટેલે ઘટનાની કોઇને જાણ કરી ન્હોતી. પરંતુ પર્સમાં ડેબિટ કાર્ડ હોય અને લુંટારૂઓ તેનો દુરપયોગ કરી એટીએમમાં પૈસા ઉપાડી લે તેવો ડર લાગતા અને માસીના દિકરા હિમાંશુ પટેલને જાણ કરી હતી અને ત્યાર બાદ મોપેડ સવાર ત્રણ લુંટારૂ વિરૂધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પાંડેસરા ડી-માર્ટ વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી તેના આધારે લુંટારૂઓનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application