તાપીમિત્ર ન્યુઝ,સુરત:પાંડેસરાના શ્રૃંગાર હોમમાં મહાશિવરાત્રીના નામે ચંદો માંગવા આવનાર મહિલાએ માતાજી આવે છે એમ કહી ધુણવા લાગ્યા બાદ દેરાણી-જેઠાણીને સંમોહિત કરી રૂ.૫૯,૫૦૦ના દાગીના લઇ બે ઠગ મહિલા રફુચક્કર થઇ જતા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. યુપીના જૌનપુર જીલ્લાના મડીયા તાલુકાના સુદનીના વતની હાલ પાંડેસરા ડી-માર્ટ નજીક શ્રૃંગાર હોમમાં ફલેટ નં.એચ/૧/૨૦૩ માં રહેતા સુનીલ વિજય મૌર્યા ભટારની બાય ઇન્ડિયા ક્રિએશન પ્રા. લિ. કંપનીમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. તા.૧૮મીના રોજ સુનીલભાઇની પત્ની મીરાદેવી તેની દેરાણી ચંચલબેન અને તેમના બે સંતાન ઘરે હતા ત્યારે બપોરના ૧૨.૩૦ વાગ્યાના અરસામાં બે અજ્ઞાત મહિલા મહાશિવરાત્રી તહેવાર નિમીત્તે ચંદો માંગવા આવી હતી. જે પૈકી એક આધેડ વયની મહિલાએ પોતાની ઉંમર વધુ છે એમ કહી સોફા પર બેસી ગઇ હતી. આ અરસામાં ચંચલબેન ચંદા પેટે રૂ.૫૦ આપી રહ્યા હતા ત્યારે આપ યુપી સે હો એમ કહી અચાનક જ આધેડ વયની મહિલા નીચે બેસી ગઇ હતી અને ધુણવા લાગી હતી. જેથી દેરાણી-જેઠાણી ડરી ગયા હતા અને સાથે આવનાર મહિલાને પુછયું હતું કે ઇન્હે કયા હો ગયા હૈ ? બીજી મહિલાએ ઇન્હે માતાજી આતે હૈ એમ કહી પગે લાગવાનું કહ્યું હતું. બંન્ને દેરાણી-જેઠાણી ધૂણી રહેલી મહિલાને પગે લાગતા બીજી મહિલાએ તેમના માથા પર હાથ ફેરવ્યો હતો અને બંન્ને જણા ભાન ભુલી ગયા હતા. ત્યાર બાદ ધુણી રહેલી મહિલાએ કયા કયા ગહને મે રખી હો. જો હૈ વો લેકે આઓ એમ કહેતા ભાન ભુલેલી દેરાણી-જેઠાણીએ સોનાની બુટ્ટી,ચેઇન,મંગળસૂત્ર અને રોકડ મત્તા મળી રૂ.૫૯,૫૦૦ ની મત્તા આપી દીધી હતી. જે લઇ બંન્ને ઠગ મહિલા ઘરની બહાર નીકળી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. માથા પર હાથ ફેરવ્યા બાદ ભાન ભુલેલી મીરાદેવીને ચક્કર આવતા સોફા પર પડી ગઇ હતી અને દેરાણી ચંચલબેન બાથરૂમમાં પડી ગઇ હતી. પંદરેક મિનીટ પછી ચંચલબેન ભાનમાં આવ્યા હતા અને જેઠાણી મીરાદેવી ઉઠાડયા બાદ ઠગ મહિલાઓ સંમોહિત કરી દાગીના લઇ ગયાનું જ્ઞાત થયું હતું. જેથી તુરંત જ આ અંગે પતિ અને પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે શ્રૃંગાર હોમના સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમાં બે મહિલાઓ નજરે પડી હતી. જેના આધારે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application