તાપીમિત્ર ન્યુઝ,સુરત:વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ઉમરપાડા ખાતે સરકારી વિનયન કોલેજનો વાર્ષિકોત્સવ અને ચતુર્થ ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો.સાથે કોલેજના ટી.વાય.બી.એ.ના વિદ્યાર્થીઓને વિદાયમાન અપાયું હતું.મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને સન્માન કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ઉમરપાડા તાલુકામાં નમૂનેદાર અને અદ્યતન વિદ્યાના મંદિર સમી કોલેજ બનાવી રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારના યુવાનો માટે ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે. ઉમરપાડા, વાંકલ, માંગરોળ સહિતના આદિજાતિ વિસ્તારોમાં બહુવિધ શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કરીને રાજ્ય સરકારે આદિવાસીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ અગ્રેસર કર્યા છે. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં કરી ઉમરપાડા તાલુકાને અદ્યતન સરકારી કોલેજ શિક્ષણસંસ્થાની ભેટ આપી હતી. રાજ્ય સરકાર પ્રતિ વર્ષ રાજ્યના આદિવાસીઓ વિદ્યાર્થીઓને રૂ. ૪૫૦ કરોડની શિષ્યવૃત્તિ આપી આદિવાસીઓના શિક્ષણની કાળજી લે છે એમ તેમણે કહ્યું હતું. આઝાદીના ૬૦ વર્ષમાં કોઈ સરકારે આદિજાતિ વિસ્તારમાં એક પણ સાયન્સ સ્કૂલ આપી ન્હોતી એ સ્થિતિની યાદ અપાવતાં શ્રી વસાવાએ જણાવ્યું કે, વર્તમાન સરકારે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ બાવન આદિવાસી તાલુકામાં સાયન્સ કોલેજનું નિર્માણ કરી આદિવાસીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. સરકારે છેલ્લાં દાયકામાં ૧૧ માધ્યમિક શાળાઓ અને ૪ કોલેજોનું નિર્માણ કરી માંગરોળ વિધાનસભા વિસ્તારમાં શિક્ષણક્ષેત્રે કાયાપલટ કરી છે. પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં આદિવાસી ક્વોટાની એક પણ સીટ ખાલી ન રહેતી હોવાનું તેમણે ગર્વભેર જણાવ્યું હતું. મંત્રીશ્રીએ શિક્ષણનું મહત્વ સમજાવી જણાવ્યું કે, શિક્ષણ મેળવવાની સાથે સંસ્કારસભર ચરિત્ર નિર્માણ કરવું પણ જરૂરી છે. યુવાનો દેશનું ભવિષ્ય છે. ભારતનો તેજસ્વી યુવાન આજે પોતાની પ્રતિભાથી દેશ દેશાવરમાં ભારતની ક્ષમતાનો પરિચય કરાવી રહ્યો છે. આજના યુવાનોએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ જેવા નવલોહિયા શહીદોના જીવનમાંથી પ્રેરણા લઇ સમાજ અને દેશ માટે સારા કાર્યો કરી રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ ચૂકવવું જોઈએ. ઇન્ટરનેટ, મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ હાનિકારક છે, જેથી યુવાનો ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટનો સદુપયોગ કારકિર્દી ઘડતર માટે કરે એ અત્યંત જરૂરી છે. દારુણ ગરીબીમાં પોતાની પ્રતિભાના જોરે કલેકટર બનવા સુધીની મુશ્કેલ સફર ખેડનાર ગોવિંદ જયસ્વાલ, સંતોષ કુમારના દ્રષ્ટાંતો આપીને મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને આવા પ્રેરક વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઇ ઉજ્જવળ કારકિર્દી ઘડવા અને સુશિક્ષિત બની પરિવાર અને સમાજની ઉન્નતિના વાહક બનવાનો અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ સ્વ ખર્ચમાંથી રૂા.૫૧ હજારના ઈનામો આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા આ વિસ્તારના યુવાનોને પણ મંત્રીશ્રીના હસ્તે બહુમાન કરાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500