તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:ખેડુતો કૃષિક્ષેત્રે નવીનત્તમ સંશોધનો અને પ્રાકૃતિક ખેતીના સમન્વય થકી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવીને નવી હરિયાળી ક્રાંતિ તરફ પ્રયાણ કરે તેવા ઉમદા હેતુથી આત્મા-એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, બારડોલી અને ખેડુત તાલીમ કેન્દ્રના સંયુકત ઉપક્રમે આયોજીત બે દિવસીય કૃષિમેળાને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેનો ખેડુતો તા.૧૪મીના રોજ પણ લાભ લઈ શકશે. બારડોલીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આયોજિત મેળામાં કૃષિક્ષેત્રના નવા સંશોધનો, પ્રાકૃતિક ખેતી આધારિત ડેમો પ્રદર્શન, બાગાયતી પાકો અંગે માર્ગદર્શન, કૃષિના સાધનો,સંશોધિત નવા બિયારણો, રાજય સરકારની કૃષિ આધારિત યોજનાઓ વગેરે આધારિત ૩૫ થી વધુ સ્ટોલ પ્રદર્શન દ્વારા કૃષિલક્ષી માહિતીનો લાભ ખેડુતોએ લીધો હતો. કૃષિ મેળા પ્રારંભ અવસરે મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે,જગતના તાતને મુશ્કેલીના સમયમાં સધિયારો આપવાની સાથોસાથ અનેક કિસાનલક્ષી યોજનાઓથી સુરત જિલ્લાના ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા છે.યોજનાઓના લાભોની વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, સુરત જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન આઈ ખેડૂત પોર્ટલ પર ૭૭૩૦ ખેડૂતોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી ટ્રેક્ટર ખરીદીમાં ૫૫૯ ખેડુતોને રૂા.૨૯૨ લાખની સહાય તેમજ ફાર્મ મિકેનાઇઝેશન સહાય ઘટક હેઠળ વિવિધ ઓજારો માટે ૫૬૫ જરૂરતમંદોને રૂા.૧૮૮ લાખ,સિંચાઈના સાધનો માટે ૭૧૨ લાભાર્થીઓને કુલ રૂા.૮૮.૭૨ લાખની સહાય ચુકવવામાં આવી છે.શાકભાજીના વાવેતર માટે ૮૫૧ ખેડુતોને ૧૧૪ લાખ, બાગાયતી યાંત્રીકરણના મિની ટ્રેકટર માટે ૮૮ લાભાર્થીઓને ૪૩.૩૫ લાખ તેમજ ગ્રીન-નેટ હાઉસના ૧૬ લાભાર્થીઓને ૧૬૮ લાખથી સહાય આપવામાં આવી છે.મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડુતો હવે રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ કરીને સુભાષ પાર્લેકર આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે સમયની માંગ છે. આ ખેતીના કારણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જેના કારણે પોતાના પરિવારની સાથે સમાજના લોકોની તંદુરસ્તી પણ જળવાઈ રહેશે.જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રિતિબેન પટેલે જિલ્લાના ખેડુતોને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ખેડુતોને આપવામાં આવેલ વિવિધ સાધન સહાય તથા તાલીમની વિગતો આપી હતી.કૃષિ મેળામાં ત્રણેક મહિના પહેલા પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ ખેતી કરતા મહુવા તાલુકાના ખેડુત એવા પ્રકાશભાઈ પટેલે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું કે, રાસાયણિક ખાતરોના અતિરેકના પરિણામે મારી જમીન ખૂબ જ કડક થઇ છે. જેમાં ટ્રેકટર પણ મુશ્કેલીથી ચલાવી શકીએ છીએ. પરંતુ હવે હું સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી તરફ વળ્ર્યો છું. લોકોના મનમાં ખોટી લઘુતાગ્રંથિ બંધાયેલી છે કે, રાસાયણિક ખાતર વગર પાક થાય નહીં, પરંતુ આ વાત સરાસર અસત્ય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા પાકની ગુણવત્તાની સાથે ઉત્પાદનમાં વધારો થાય છે. એક દેશી ગાયના આધારે થતી આ ખેતીના પરિણામે આપણે ઝેરમુકત રાસાયણિક ખાતરોની ચુંગાલમાંથી બચી શકીશું. જો આવનારી પેઢીને તંદુરસ્ત રાખવી હશે તો પ્રાકૃતિક ખેતી કર્યા વિના છુટકો નથી.ઘર,આંગણામાં શાકભાજી ઉગાડીને પૌષ્ટિક અને ગુણવત્તાસભર ખોરાક મેળવવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500