તાપીમિત્ર ન્યુઝ,સૂરતઃગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગાંધીનગર દ્વારા રોડ સેફટી કમિશનરશ્રી એલ.પી. પાડલીયાની ઉપસ્થિતિમાં સુરત ખાતે એસ.વી.એન.આઈ.ટી. કોલેજમાં માર્ગ સલામતી પરિસંવાદ યોજાયો હતો. જેમાં સુરત,વલસાડ,બારડોલી,માંડવી,વ્યારા,ઉમરપાડા,માંગરોળ સહિતના તાલુકાઓમાંથી આવેલા અધિકારીઓ-કર્મચારીઓને માર્ગ સલામતી અંગેનું માર્ગદર્શન આપીને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી,ગાંધીનગરના કમિશનરશ્રી એલ. પી. પાડલીયાએ સીટ બેલ્ટ અને હેલ્મેટના અભાવે તેમજ ટ્રાફિક અંગે નિયમના પાલનના અભાવે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. જેમાં ઘણીવાર વાહન ચાલકની પણ ભૂલ જવાબદાર હોય છે, ત્યારે રોડ અકસ્માતનું પ્રમાણ ઘટે અને લોકજાગૃત્તિ કેળવાય, શાળાના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને વાહન વ્યવહાર તેમજ ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન મળે તે હેતુથી ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગાંધીનગર દ્વારા નિયમિતપણે રાજ્યભરમાં જનજાગૃત્તિ ઝુંબેશ યોજવામાં આવે છે. તેમણે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગાંધીનગરની વિસ્તૃત ભૂમિકા આપી હતી. માર્ગ સલામતી વિષય પર જાણીતા તજજ્ઞ શ્રી અમિત ખત્રીએ રોડ માર્કિંગ અને અને સાઇનેજિસ’ વિષય પર પ્રેરક માર્ગદર્શન આપતાં જણાવ્યું કે,વાહનચાલકોએ જાગૃત નાગરિક તરીકે પોતાની જવાબદારી સમજી યોગ્ય ગતિમાં જ વાહન ચલાવવાની સાથે ટ્રાફિક ચિહ્નોનું પૂરતું જ્ઞાન મેળવ્યા વિના વાહન ચલાવવું જોખમકારક છે. માત્ર ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી લેવાથી વાહન ચલાવતા આવડે જ એવી ગેરસમજમાં ન રહેવું. મોટા વાહનો સામે નાના વાહનોએ બ્રેક મારી પોતાના વાહનને કાબુમાં રાખવું જોઈએ.‘રોડ પર જતાં પહેલા રોડને જાણો અને વાહન ખરીદતાં પહેલા વાહનને જાણો’ એમ જણાવી તેમણે વાહનચાલકોએ ટ્રાફિકના નિયમો, રોડ રસ્તા, પોતાના કાર, બાઈકની પાયાની ટેકનિકલ જાણકારી રાખવી જરૂરી છે એમ કહ્યું હતું. હાઈવે પર ૮૦ કિમી/ કલાકની ઝડપે વાહન ચલાવતો વ્યક્તિ ટ્રાફિકભર્યા વિસ્તારમાં માત્ર ૨૦ કિમીની ઝડપે વાહન ચલાવતા સમયે અકસ્માતનો ભોગ બને છે, આવા કિસ્સા અવારનવાર નોંધાય છે. શાંત ચિત્તે, સલામતીપૂર્વક વાહન હંકારવાથી અકસ્માતો નિવારી શકાય છે. ધુમ્મસભર્યા વાતાવરણમાં ક્યારેય વાહન ન ચલાવવું અને હેઝાર્ડ લાઈટ શરૂ રાખી એક સાઈડમાં પાર્ક કરવું હિતાવહ છે. ડી.સી.પી.(ટ્રાફિક) શ્રી પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે લોકોમાં ટ્રાફિક અંગેની સમજ હોવી જરૂરી છે. છેલ્લાં એક વર્ષમાં સુરતમાં જીવલેણ વાહન અકસ્માતોના કારણે કુલ ૨૮૦ મૃત્યુ થયા છે. તેમણે લોકોને ટ્રાફિક નિયમપાલન માટે જાગૃત્ત કરવાની સાથોસાથ કોર્પોરેશન, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંભવિત અકસ્માતવાળા ચાર રસ્તા, ભયજનક વળાંકો અને ડાર્ક સ્પોટ્સને આઇડેન્ટિફાય કરી માર્ગ નિર્માણ અને સુધારણા કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત એસ.વી.એન.આઈ.ટી.ના તજજ્ઞ ડો.આશિષ ધામણીયાએ ‘સિસ્ટમ એપ્રોચ ટુ રોડ સેફટી’ વિષય પર તથા જે.પી. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શ્રી સંજય બલદાણીયાએ ‘અકસ્માતનું વિશ્લેષણ અને ડેટા ચકાસણી’ વિષય પર તેમજ જીવીકે ઈ.એમ.આર.આઈના શ્રી જશવંત મકવાણાએ ‘ટ્રોમા કેર’ અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application