Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી સ્થિત અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે સુરત જિલ્લા કક્ષાના બે દિવસીય કલા મહાકુંભ ૨૦૧૯-૨૦નો પ્રારંભ

  • February 13, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના બારડોલી સ્થિત અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે સુરત જિલ્લા કક્ષાના બે દિવસીય કલા મહાકુંભ ૨૦૧૯-૨૦નો દબદબાભેર પ્રારંભ થયો હતો.તાલુકા કક્ષાએથી વિવિધ કલા સ્પર્ધાઓમાં જીતીને જિલ્લા કક્ષાએ પહોંચેલા સૌ સ્પર્ધકોને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્પર્ધા જીતો કે, નહીં એ ગૌણ વાત છે, કારણ કે જે વ્યક્તિ શાસ્ત્રીય કલાઓને અપનાવે છે તેના જીવનમાં એક અલગ જ પ્રકારનું અજવાળું પ્રગટે છે. તેનું જીવન આંતરિક રીતે સમૃદ્ધ બને છે અને આ આંતરિક સમૃદ્ધિ સ્પર્ધામાં મળેલી જીત ઘણી વધારે મહત્વની છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિકકક્ષાએ કલાને ખૂબ જ મહત્વ આપ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં તો શાસ્ત્રીય કલાઓનો ખૂબ બારીકીથી વિકાસ થયો છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણ ભગવાન ચોસઠ કલાઓમાં પારંગત હતા. કલામાંથી માણસને એક અદભુત રસ પ્રાપ્ત થાય છે. એટલે જ તો કૃષ્ણ ભગવાનને "રસરાજ" કહેવામાં આવે છે. તેવી જ રીતે, ભગવાન શિવને પણ આપણે "નટરાજ" કહીએ છીએ જે ભારતીય સંસ્કૃતિમાં કલાનું રહેલું મહત્વ દર્શાવે છે. કલા જ વ્યક્તિના જીવનમાં અને સમાજમાં રંગ પૂરે છે. કલા જીવનને જીવવાલાયક બનાવે છે. કલામાં થાકેલા માણસનો થાક દૂર કરવાની અને નિરાશ વ્યક્તિના જીવનમાં આશા ભરવાની તાકાત છે પરંતુ જ્યારે કોઈ રાજ્યના વિકાસની વાત થાય ત્યારે ઔદ્યોગિક અને આંતરમાળખાકીય વિકાસની વાત સૌથી પહેલા થતી હોય છે. એટલે ઘણીવાર સમાજમાં કલાઓ અને ખેલકુદ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે તેવું જોવા મળે છે. આવી સ્થિતિમાં કલા મહાકુંભ જેવો ઉપક્રમ શરૂ કરવા બદલ મંત્રીશ્રી એ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાતને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ લાવવા આપણા હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ "ખેલ મહાકુંભ"નો પ્રારંભ કરાવ્યો હતો. રમતગમત ક્ષેત્રના આ સૌથી મોટા મહોત્સવમાં સમગ્ર ગુજરાતના લોકો જોડાવા લાગ્યા અને થોડા વર્ષોમાં જ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે આપણા ખેલાડીઓ હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતવા લાગ્યા છે. કલા મહાકુંભ પણ આવો જ એક પ્રયાસ છે. આ વખતના કલા મહાકુંભમાં ૧૪ હજારથી વધારે રજીસ્ટ્રેશન થયા છે, આ ખૂબ આનંદની વાત છે. આશા છે કે આવનારા દિવસોમાં કલા મહાકુંભ એ આપણા સમાજમાં સંસ્કૃતિને સોળે કલાએ ખીલવવાનું માધ્યમ બનશે. રાજ્યમાં ગીત-સંગીત-નૃત્ય-અભિનય જેવા કલાના વિવિધ સ્વરૂપ તેની પૂર્ણ કક્ષાએ ખીલી ઉઠશે. સુરત જિલ્લાના ૯ તાલુકામાંથી વિજેતા થઈને આશરે ૧૬૫૦ જેટલા કલાકારો બે દિવસીય જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લઈ રહ્યાં છે. જિલ્લા કક્ષાએ ભાગ લેવા સૌ કલારસિકો પણ કલા મહાકુંભને મન ભરીને માણે અને કલાના માધ્યમથી આપણા સૌના જીવનનો સર્વાંગી વિકાસ થાય તેવી શુભકામના સાથે તેમણે સૌને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠીયા, રમત ગમત અધિકારીશ્રી વિરલ પટેલ,અગ્રણીશ્રી ભાવેશભાઈ પટેલ, અસ્તાન કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રીમતી અરુણાબેન પરમાર સહિત મોટી સંખ્યામાં નગરજનો અને સ્પર્ધકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application