Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના એન્જિનિયરીંગના બે વિદ્યાર્થીઓએ દિવ્યાંગો માટે બનાવી ઈકો ફ્રેન્ડલી ટ્રાઈસિકલ

  • January 21, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરતની એસ.વી.એન.આઈ.ટી. કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરીંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહેલા બે મિત્રો હેનિલ બરવાળીયા અને ઉર્વિલ સિદ્ધપરાએ દિવ્યાંગો માટે સુવિધાયુક્ત ઇકો ફ્રેન્ડલી ઈ- ટ્રાઈસિકલ બનાવી છે. ઈલેકટ્રીક બાઈક ડિઝાઈનર અમીતેજ સિંગના માર્ગદર્શન હેઠળ બંને મિત્રોએ દિવ્યાંગો માટેની હેન્ડ ડ્રિવન સાઇકલને ઈલેકટ્રીક ટ્રાઈસિકલમાં રૂપાંતર કરી છે. દિવ્યાંગ વ્યક્તિઓને પરિવહનમાં સરળતા રહે એ માટેની અનેક સુવિધાઓ આ ઈ- ટ્રાઈસિકલમાં છે. પેટ્રોલ-ડિઝલના સ્થાને નજીવા વિજળીથી ઈ-ચાર્જીંગ કરી દિવ્યાંગો સહેલાઈથી અવરજવર કરવાની સાથોસાથ પર્યાવરણ સંરક્ષણમાં પણ યોગદાન આપી શકશે. ઈ- વ્હીકલનું નિર્માણ કરનાર હેનિલે જણાવ્યું હતું કે, ફક્ત કોઈ બેટરી અને મોટર જોડીને અમે ઇલેક્ટ્રિકલ વ્હીકલ તૈયાર કર્યું નથી, પરંતુ આ પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલા જ દિવ્યાંગ વ્યક્તિની શારીરિક સ્થિતિ અને શરીરને અનૂકુળ બેઠક વ્યવસ્થા તેમજ તે જ્યારે ડ્રાઈવિંગ કરે તો તેની સ્ટીયરીંગ ક્ષમતાને ધ્યાનમાં રાખીને સમગ્ર ડિઝાઈન પર ભાર મૂક્યો હતો. હેનિલ જણાવે છે કે, દોઢ વર્ષની અંદર તૈયાર કરવામાં આવેલી આ ઈ- ટ્રાઈસિકલમાં સાઈડલાઈટ, હોર્ન, બ્રેક, હેડલાઈટ વગેરે જેવી પાયાની તમામ સગવડો આપવામાં આવી છે. આ ટ્રાઈસિકલની એક ખાસ વિશેષતા છે એન્ટી-થેફ્ટ અલાર્મ. જેથી દિવ્યાંગ વ્યક્તિની ગેરહાજરીમાં ઈ- ટ્રાઈસિકલ સાથે કોઈ છેડછાડ થાય તો ફોર-વ્હીલની એન્ટી-થેફ્ટ અલાર્મ સિસ્ટમની માફક એન્ટી-થેફ્ટ અલાર્મ રણકી ઊઠે છે. ઈ- ટ્રાઈસિકલ દ્વારા દિવ્યાંગોને રોજગારીનું પણ માધ્યમ બનશે એમ જણાવતાં હેનિલ કહે છે કે, ઈ- ટ્રાઈસિકલ માત્ર હેરફેરનું સાધન ન બની રહેતા અર્થ ઉપાર્જન માટે પણ ભાગીદાર બનશે. કેમ કે, તેનો પાછળનો ભાગ સંપૂર્ણ રીતે મોડિફાય કરી શકાય છે. જેથી કોઈ દિવ્યાંગ વ્યક્તિ વ્યવસાય કરવા ઈચ્છે તો તેમનો વ્યવસાયલક્ષી સામાન સાઇકલના પાછળના ભાગમાં રાખી શકે છે. પાછળ સામાન લાવવા લઇ જવા માટે પૂરતી જગ્યા મળી રહે છે. આ ઉપરાંત સાયકલમાં લેટેસ્ટ ટેકનોલોજીની લિથીયમ આયન બેટરી વાપરવામાં આવી છે. એક કલાક બેટરી ચાર્જ કરતા ૩૦ કિલોમીટર સુધી આ ઈ- ટ્રાઈસિકલને ચલાવી શકાય છે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટેસ્ટીંગ માટે આ ટ્રાઈસિકલને ૮ મહિના સુધી લગભગ ૧૨૦૦ કિ.મી. ચલાવવામાં આવી છે. ઉર્વિલ સિદ્ધપરાએ જણાવ્યું કે, ઈ- ટ્રાઈસિકલની સ્પીડ પણ દિવ્યાંગ લોકો પાસેથી સલાહ લઇને તેમની જરૂરિયાત અનુસાર સ્પીડ મેઈન્ટેન કરવામાં આવી છે. હાલ તેની સ્પીડ ૧૫ થી ૨૦ કિમી. પ્રતિ કલાક સુધીની રાખવામાં આવી છે. વેચાણ માટે આ ઈ- ટ્રાઈસિકલની કિંમત ૩૫ હજાર રૂપિયા રાખવામાં આવી છે. હજુ આગળ નવીનીકરણ કરી ખૂટતી સુવિધાઓ ઉમેરવા અંગે અમે હાલ કામ કરી રહ્યા છીએ એમ જણાવી તેણે ઉમેર્યું કે, હાલ તો સાયકલની બેટરી ઈલેક્ટ્રીસિટી વડે ચાર્જ થાય છે. પરંતુ આવનારા મોડેલમાં સૌર ઉર્જાના ઉપયોગ વડે ‘ઝીરો એક્સપેન્સિવ’- ઇંધણનો ખર્ચ શૂન્ય કરવા તરફ જઈ રહ્યા છીએ. અમે સાયકલ સોલાર છત બનાવીશું. સોલાર પેનલ વાટે સૌર ઉર્જાથી જ બેટરી ચાર્જ થઇ શકશે. જેથી બાહ્ય ઉર્જાની કોઈ જરૂર જ ન પડે. ઈ-ટ્રાઈસિકલ બનવવાનો વિચાર કઈ રીતે આવ્યો તેમ પૂછતાં હેનિલે જણાવ્યું હતું કે, અમારી કોલેજની બહાર પંચરની દુકાન છે. જ્યાં કામ કરતો સત્યમ નામનો છોકરો દિવ્યાંગ છે. તેણે હાથપગ વડે ચાલતી સાઈકલમાં થતી મુશ્કેલીઓની વાત કરી હતી. એન્જિનીયરિંગના વિદ્યાર્થી હોવાથી આ બાબતે સત્યમે પોતાની મુશ્કેલી ઓછી થાય તેવું કંઈક કરવા તરફ અમારું ધ્યાન દોર્યું હતું. સામાન્ય હેન્ડડ્રીવન સાઈકલ ચલાવવામાં ઢાળવાળા રસ્તા પર વિપુલ પ્રમણમાં તાકાત લગાવવી પડે છે એવું અમે સામાન્ય સાયકલ ચલાવીને અનુભવ્યું છે. ત્યારે અમને થયું કે એવી ઈ-સાયકલ બનાવવી જોઈએ જે દિવ્યાંગોને સરળતા આપે અને તેમની મુશ્કેલીઓ ઓછી કરે. અને પરિણામે ઈ-ટ્રાઈસિકલ પ્રોજેક્ટના બીજ રોપાયા. સૌપ્રથમ અમે થ્રીડી મોડેલ બનાવીને કોલેજના પ્રોફેસર સામે પ્રસ્તુત કર્યું હતું, તેમણે પ્રોજેક્ટથી સંતુષ્ટ થઇને અમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.ઉપરાંત, કોલેજ દ્વારા મળતી રિસર્ચ ગ્રાન્ટની નાણાકીય સહાય દ્વારા અમારૂ આ સપનું સાકાર થયું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application