Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના વેપારી પાસેથી રૂ.૧૬.૮૦ લાખનું કાપડ ખરીદી હૈદરાબાદના વેપારીએ ચુનો ચોપડયો

  • January 03, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:રીંગરોડ સ્થિત શ્યામ માર્કેટમાં દુકાન ધરાવતાં વેપારી પાસેથી રૂ.૧૬.૮૦ લાખનું બુરખાનું કાપડ ખરીદી હૈદરાબાદનો વેપારી પેમેન્ટ ચુકવ્યા વિના દુકાન અને ઘર બંધ કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે ભોગ બનનાર સુરતના વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. અડાજણ પાટીયા ઉસ્માની પાર્ક સોસાયટી ઘર નં. ૨૮માં રહેતા ૨૬ વર્ષીય ઝઇદભાઈ અલ્તાફ ભગાડ રીંગરોડ શ્યામ માર્કેટમાં ઝઇદ ઈન્ટરનેશનલના નામે કાપડનો વેપાર કરે છે. છ માસ અગાઉ હૈદરાબાદના શેરાન માર્કેટમાં અઝીઝ બુરખાના નામે વેપાર કરતા અઝીઝભાઇ તેમની દુકાને આવ્યા હતા અને મારૂં હૈદરાબાદ ખાતે બુરખાના કાપડનું ખુબ મોટાપાયે કામકાજ છે તેમ કહી જો તમે મને અહીંથી બુરખાનું કાપડ આપશો તો હું તમને સમયસર પેમેન્ટ કરીશ તેમ કહ્યું હતું. આથી ઝઇદભાઈએ શરૂઆતમાં થોડો માલ આપ્યો હતો જેનું પેમેન્ટ અઝીઝભાઈએ સમયસર કરી દીધું હતું. ત્યાર બાદ ઝઇદભાઈએ જુલાઈ ૨૦૧૯થી ઓગષ્ટ ૨૦૧૯ દરમિયાન રૂ.૧૬.૮૦ લાખનો બુરખાનો માલ અઝીઝભાઈને ટ્રાન્સપોર્ટમાં મોકલી આપ્યો હતો. જેનું પેમેન્ટ ૬૦ દિવસમાં કરવાનું હતું પરંતુ ઝઇદભાઈએ જયારે પેમેન્ટ માંગ્યું ત્યારે અઝીઝભાઈએ વાયદા કર્યા હતા અને બાદમાં તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ઓક્ટોબર માસમાં ઝઇદભાઈને જાણવા મળ્યું હતું કે,અઝીઝભાઈએ તેમની દુકાન બંધ કરી દીધી છે. આ અંગે ઝઇદભાઈએ વાત કરતાં અઝીઝભાઈએ હું તમારા રૂપિયા ચૂકવી દઈશ, ચિંતા ન કરો તેવી હૈયા ધરપત આપી હતી. પરંતુ તેના ગણતરીના દિવસો બાદ ઝઇદભાઈએ હૈદરાબાદ જઈ તપાસ કરી તો અઝીઝભાઈ તેમના સરનામે મળ્યા ન હતા અને વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે દુકાન અને ઘર બંધ કરી ક્યાંક ચાલ્યા ગયા છે.પોતાની સાથે છેતરપીંડી થયા હોવાનું ભાન થયું હતું. જેથી રૂ.૧૬.૮૦ લાખની છેતરપીંડી અંગે ઝઇદભાઈએ અઝીઝભાઈ વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી એએસઆઈ દીપ્તિબેને વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application