Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈથોપીયામાં પ્લેન ક્રેશ,સુરતના દિક્ષીત પરિવારના પિતા અને બે પુત્રીના મૃતદેહ ડીએનએ તપાસ બાદ સોંપાયા:અંતિમ વિધી કરાઇ

  • November 29, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:ઈથોપીયામાં માર્ચ મહિનામાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃત્યુ પામેલા સુરતના ઉધનાના દિક્ષીત પરિવારના પ્રેરિત દિક્ષીત અને તેમની બે પુત્રીઓના મૃતદેહ ડીએનએ તપાસ બાદ પરિવારને સોંપવામાં આવ્યા હતા. બુધવારે ત્રણે મૃતકોના મૃતદેહ સુરત આવી પહોંચતા તેમની અંતિમ વિધી કરવામાં આવી હતી. આઠ મહિના અગાઉ ઈથોપિયન એરલાઈનનું પ્લેન બોઈંગ ૭૩૭ પ્લેન ઈથોપિયાના એડીશ અબાબાથી નૈરોબી જઈ રહેલુ પ્લેન ક્રેશ થયું હતું. જેમાં કુલ ૧૫૭ વ્યક્તિના મોત થયા હતા. આ પ્લેનમાં સુરતના પરિવારના ચાર સભ્યો સહિત ગુજરાતના કુલ ૬ વ્યક્તિના પણ મોત થયા હતા. ઉધના મઢીની ખમણી પાસે સરદારપાર્ક ખાતે રહેતા વિરેન્દ્રભાઈ દિક્ષીતનો ૪૩ વર્ષીય પુત્ર પ્રેરિત ,૩૭ વર્ષીય તેમની પત્ની કોશા ,૧૪ વર્ષીય પુત્રી આશ્કા અને ૧૨ વર્ષીય અનુષ્કા તેમજ વડોદરા ખાતે રહેતા વેવાઈ ૬૫ વર્ષીય પ્રન્નાગભાઈ વૈધ અને ૬૦ વર્ષીય હંસીનીબેનના મોત થયા હતા. પ્રેરિત અને કોશા પરિવાર સાથે કેનેડામાં રહેતા હતા. પન્નાગભાઈના સ્વજનો મોમ્બાસાથી ભારત આવી રહ્યા હતા. તેમને મળવા માટે તેઓ કેનેડાથી કેન્યા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો અને ચારના મોત થયા હતા. મૃતકોમાંથી પન્નાગભાઈ, હંસીનીબેન અને કોશાબેનના મૃતદેહોની ડીએનએ તપાસ બાદ ઓળખ થઈ જતા એક મહિનો અગાઉ સોંપવામાં આવ્યા બાદ અંતિમ વિધી થઈ હતી. જોકે, પ્રેરિત , આશ્કા અને અનુષ્કાના મૃતદેહોની ઓળખ થઈ ન હોવાથી પરિવાર તેમની અંતિમ વિધી માટે રાહ જોઈ રહ્યું હતું. આઠ મહિના બાદ ત્રણેયના મૃતદેહોનું પણ ડીએનએ મેચ થયા બાદ તેમના મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. બુધવારે ત્રણેયના મૃતદેહ સુરત આવી પહોંચ્યા બાદ તેમની અંતીમ વિધી કરવામાં આવી હતી. પ્રેરિતના પિતા વિરેન્દ્ર દિક્ષીતે જણાવ્યું હતું કે એક મહિનો પહેલા અમારી પુત્રવધુ કોશા અને તેના માતા - પિતાના મૃતદેહો સોંપવામાં આવ્યા હતા. ત્યાંની સરકારની કામગીરી સારી હતી. કેમિકલ યુક્ત દવાઓ નાંખી પેક કરેલા કોફીનમાં મૃતદેહ મોકલવામાં આવ્યા હતા. જે ખોલી શકાય તેમ ન હોવાથી અમે અમારા સ્વજનના ચહેરા પણ જોઈ શક્યા નથી. કેનેડાના અમારા ઘરમાંથી ડીએનએ મેચ કરવા માટે સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેના આધારે મેચ કરી ત્યાર બાદ મૃતદેહ સોંપવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application