Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ક્રિભકો કંપનીના સિક્યુરીટી સુપરવાઈઝર પર ચપ્પુ વડે હુમલો કરી લુંટ

  • November 14, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત-હજીરા રોડ પર કવાસ પાટિયાથી મોરા ગામ વચ્ચે ભારત મંદિર નજીક સર્વિસ રોડ પર ક્રિભકો કંપનીના સિકયુરીટી સુપરવાઇઝર પર ચપ્પુ વડે હુમલો કરી મોટરસાઇકલ સવાર ત્રણ લુંટારૂઓ મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ. ૬,૫૦૦ની મત્તાની લુંટ કરી ભાગી છુટ્યા હતા. ઇજાગ્રસ્ત સુપરવાઇઝરને સારવાર અર્થે કંપનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હજીરા રોડની જાણીતી ક્રિભકો કંપનીમાં સૈનિક સિકયુરીટી એજન્સી વતી સુપરવાઇઝરની નોકરી કરતો અને કવાસ ગામ સાંઇ મંદીર સિકયુરીટી ફાર્મ હાઉસમાં રહેતો મોહનકુમાર અકાલુ પ્રજાપતિ ગત રાત્રે ક્રિભકો કંપનીમાં જયાં-જયાં સિકયુરીટી પોઇન્ટ છે તે તમામ ચેક કરવા નીકળ્યો હતો. દરમ્યાનમાં કંપનીના મેઇન ગેટ પરની સિકયુરીટી પોઇન્ટના ગાર્ડને ચેક કરી સાઇકલ પર સુરત-હજીરા રોડ પર કવાસ પાટિયાથી મોરા ગામ તરફ જતા સર્વિસ રોડ પર ભારત મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સ્પ્લેન્ડર મોટરસાઇકલ સવાર ત્રણ યુવાનોએ હાથ ઉંચો કરી અટકાવ્યો હતો. હાથ ઉંચો કર્યો હોવાથી મદદની જરૂર હોવાથી માનવતના રાહે ઉભેલા સિકયુરીટી સુપરવાઇઝર મોહનકુમારે સાઇકલ ઉભી રાખતા વેંત ત્રણ પૈકી એક યુવાને ચપ્પુ વડે બાનમાં લઇ જે કંઇ હોય તે આપી દેવા કહ્યું હતું. પરંતુ મોહનકુમારે પોતાની પાસે કંઇ નથી એમ કહેતા ચપ્પુ વડે જાંઘના ભાગે ઇજા પહોંચાડી પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન અને પર્સ લુંટી લીધો હતો. ત્યાર બાદ પણ ચપ્પુ વડે બીજો ઘા કરવા જતા બચવાના પ્રયાસમાં મોહનકુમારને જમણા હાથની આંગળીમાં ઇજા થઇ હતી. ઘટના અંગે મોહનકુમારે તુરંત જ સિકયુરીટી કંટ્રોલ રૂમમાં જાણ કરતા તેને સારવાર માટે કંપનીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને ઘટના અંગે ઇચ્છાપોર પોલીસ મથકમાં મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ. ૬,૫૦૦ ની લુંટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application