Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સહારા દરવાજા માર્કેટ નજીક સિટી બસની અડફેટે યુવકનું મોત:બસમાં તોડફોડ

  • November 14, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સહારા દરવાજા સરદાર માર્કેટ નજીક બીઆરટીએસ રૂટમાં સિટી બસની અડફેટે યુવકના મોત બાદ લોકો રોષે ભરાયા હતા. બસમાં તોડફોડ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. જોકે પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો.જોકે ઉશ્કેરાયેલા ટોળાંએ ૧૦૮ના કર્મચારીઓની પણ બુક ફાડી તેઓને મારવા લેતાં તેઓ ભાગી ગયા હતા. સહારા દરવાજા ખાતે આવેલી સરદાર માર્કટ નજીક જીજે-૫-બીઝેડ-૪૨૦૧ નંબરની સીટી બસ બીઆરટીએસ રૂટમાં પૂર ઝડપે પસાર થઈ રહી હતી. દરમિયાન એક યુવકને અડફેટે લીધો હતો. પરિણામે જમીન પર પટકાયેલા યુવકનું ઘટના સ્થળે મોત નિપજતાં આસપાસની મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને ઉશ્કેરાયેલા લોકોએ સિટી બસમાં તોડફોડ કરવાનું ચાલું કરી દીધું હતું. જેથી ડ્રાઈવર ભાગી ગયો હતો. યુવકના મોત અને સિટી બસમાં તોડફોડની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની ઓળખ બારડોલીના આશિયાના નગરમાં રહેતો ૨૦ વર્ષીય પરવેઝ રઝાક રાઈન તરીકે થઈ હતી. પરવેઝ છૂટક મજૂરી કરી પરિવારને મદદ રૂપ થતો હતો. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મદદે પહોંચેલી માન દરવાજા લોકેશનની ૧૦૮ના ઈએમટી અને પાઇલોટને મારવાનો પ્રયાસ કરાયો હતો. મૃતદેહ કેમ પોલીસને હેન્ડ ઓવર કર્યો કહીં ૧૦૮ ની પીસીઆર બુક પણ ફાડી નખાઈ હતી. ડરના મારે ૧૦૮ના બન્ને કર્મચારીઓએ પોલીસ વાનમાં સંતાઈને જીવ બચાવવો પડ્યો હતો.શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસના અકસ્માત બાદ તોડફોડની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. ગત શનિવારના રોજ પાંડેસરામાં વડોદગામમાં એક રાહદારીને સિટી બસે અડફેટે લીધો હતો. જેને લઈને ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી. પુણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ડ્રાઇવરને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. બીજી બાજુ બસમાં તોડફોડ કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application