નવી દિલ્હીઃમહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ બપોરે જ રાષ્ટ્રપતિ કોવિંદને રાજ્યમાં સરકાર રચનાની કોઈ સંભાવના ન દેખાતી હોવાના કારણે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. મહારાષ્ટ્રમાં ૬ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.રાષ્ટ્રપતિ નવી દિલ્હીથી બહાર હોવાના કારણે આ નિર્ણય લેવામાં મોડું થયું હતું. આ અગાઉ બપોરે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પણ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરાઈ હતી. રાષ્ટ્રપતિએ દિલ્હીમાં આવીને તરત જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પર મહોર મારી હતી.આ અગાઉ રાજ્યપાલે બપોરે રાષ્ટ્રપતિ ભવનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, "રાજ્યમાં બંધારણ મુજબ સ્થિર સરકારની રચના થઈ શકે એમ નથી. રાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યે ૧૫ દિવસ પસાર થઈ ગયા હોવા છતાં પણ એક પણ પાર્ટી સરકાર બનાવી શકે એવી સ્થિતિ જણાતી નથી. આથી રાજ્યમાં બંધારણની કલમ-૩૫૬ મુજબ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે.ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શિવસેના રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. શિવસેનાએ રાજ્યપાલના એ નિર્ણયને પડકાર ફેંક્યો છે જેમાં રાજ્યપાલે શિવસેનાને વધુ સમય આપવાની માગણી ફગાવી દીધી હતી.શિવસેનાએ રાજ્યપાલ સમક્ષ માગ કરી હતી કે એનસીપી અને કોંગ્રેસનો ટેકો હોવાને પત્ર લાવવા માટે તેને ત્રણ દિવસનો સમય આપવામાં આવે. શિવસેનાએ રાજ્યપાલ પાસે વધુ ૪૮ કલાક માગ્યા હતા, જેને આપવાનો રાજ્યપાલે ઈનકાર કરી દીધો હતો.અરજીમાં આરોપ લગાવાયો છે કે, રાજ્યપાલ ભાજપના ઈશારા પર કામ કરી રહ્યા છે. તેમને સરકારની રચના માટે પુરતો સમય આપવામાં આવ્યો નથી. રાજ્યપાલે ભાજપને ટેકો મેળવવા માટે ૪૮ કલાકનો સમય આપ્યો હતો. જેની સામે શિવસેનાને એનસીપી અને કોંગ્રેસનો ટેકો મેળવવા માટે માત્ર ૨૪ કલાકનો સમય મળ્યો હતો. શિવસેનાએ સુપ્રીમ કોર્ટને આ મામલે વહેલી સુનાવણી કરવાની વિનંતી કરી છે.સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે મુખ્ય ન્યાયાધિશને પુછ્યું છે કે, અરજીની સુનાવણી માટે કઈ તારીખે લિસ્ટ કરવી છે. સૂત્રો અનુસાર આ અગાઉ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ અને અહેમદ પટેલનો પણ સંપર્ક કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ શિવસેના તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલો રજુ કરશે.(સાભર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application