તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત-કડોદરા રોડ પર નિયોલ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન એસ.ટી બસમાંથી મુસાફરના સ્વાંગમાં શહેરમાં ઘુસાડવામાં આવી રહેલો ૧૦.૦૫૯ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝારખંડવાસી યુવાનને પુણા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો ઝારખંડથી ભાવનગર મોકલાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. કડોદરા રોડ સ્થિત નિયોલ ચેક પોસ્ટ ખાતે ગત રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં વાહન ચેકિંગ દરમ્યાન વાહનોની લાઇન વચ્ચે ઉભેલી એસ.ટી બસમાંથી એક યુવાન બે હાથમાં થેલા લઇ ઉતર્યો હતો.યુવાનની હિલચાલ શંકાસ્પદ જણાતા ચેક પોસ્ટ પરના પોલીસકર્મી હેડકોન્સ્ટેબલ તુષાર ગરબડભાઇને શંકા જતા યુવાનને અટકાવ્યો હતો અને તેની તલાશી લેતા બે અલગ-અલગ થેલામાંથી ચાર પાર્સલ મળી આવ્યા હતા. જેમાં કુલ ૧૦.૦૫૯ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા તુરંત જ પુણા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. જેથી પોસઇ વી.યુ. ગડરીયા તુરંત જ અન્ય પોલીસ સ્ટાફ સાથે ઘસી આવ્યા હતા અને એફએસએલને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. એફએસએલ દ્વારા ચારેય પાર્સલમાં ગાંજાનો જથ્થો હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જેથી પાર્સલ સાથે ઝડપાયેલા રામકૃષ્ણ પાંડે ઉર્ફે પાંડેજી મુરલીધર પાંડે રહે. વોર્ડ નંબર ૧૦, ઝંડા ચોક, છોટી બાગી, જિ. કોડેર, ઝારખંડ) ની ગાંજો કિંમત રૂ. ૬૦,૩૫૪ અને મોબાઇલ ફોન કબ્જે લઇ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં ગાંજાનો જથ્થો રામકૃષ્ણને તેના હમવતની નિમી નામના યુવાને આપ્યો હતો અને ભાવનગરની મંજુબેન નામની મહિલાને પહોંચાડવાનો હતો. જેથી પોલીસે નિમી નામના યુવાનને વોન્ટેડ જાહેર કર્યો છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application