તાપીમિત્ર ન્યુઝ,સુરત:અડાજણ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં પેટના દુઃખાવા બાદ ધોરણ નવની વિદ્યાર્થિનીને ઈન્જેક્શન અપાયું હતું. ઈન્જેક્શન બાદ વિદ્યાર્થિનીનું મોત થતાં પરિવારજનોએ તબીબની બેદરકારી કારણે મોત થયાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પાલ સિદ્ધી વિનાયક એપાર્ટમેન્ટમાં બાબુભાઇ ચૌહાણ અને તેમનો પરિવાર રહે છે. તેમની ૧૪ વર્ષની પુત્રી ધ્વની ધો-૯માં અભ્યાસ કરતી હતી. શનિવારે ધ્વનીને પેટમાં દુઃખાવો ઉપડતાં પરિવારજનો હનીપાર્ક રોડની બ્લેસીંગ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. ત્યાં ધ્વનીને ટૂંકી સારવાર આપી બીજા દિવસે આવવાનું જણાવ્યુ હતુ. હોસ્પિટલમાં બીજા દિવસે બોટલ ચડાવવામાં આવી હતી. ત્યારબાદ ધ્વનીને નર્સ દ્વારા તેને ઇંજેકશન આપ્યું હતુ. થોડીવાર પછી ધ્વનીનું મોત નિપજતાં પરિવારજનો ગભરાઇ ગયા હતા. ધ્વનીનું મોત નિપજયુ હોવાનું પરિવારજનોને જાણ થતાં તેઓએ હોસ્પિટલ માથે લીધી હતી. પરિવારજનોએ તબીબ અને હોસ્પિટલની બેદરકારી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ ઘટના અંગે અડાજણ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પરંતુ દીકરીના મોતને લઇ રોષે ભરાયેલા પરિવારજનોએ સાદા ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીને તબીબ સમજી લાફા ઝીંકી દીધા હતા. જોકે ભુલ સમજાતા બાદમાં માફી પણ માંગી હતી. અડાજણ ખાતે આવેલા હનીપાર્ક રોડ પર બ્લેસિંગ હોસ્પિટલમાં બાદમાં જ્યાં સુધી ડોકટર હોસ્પિટલ માં હાજર નહીં થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પણ સાફ ઇન્કાર કરી દેવાયો હતો. જો કે કસુરવારો સામે પગલાં ચોક્કસથી ભરાશે તેવી ખાતરી પોલીસ તરફથી મળતા મામલો થાળે પડ્યો હતો. કિશોરીના મૃતદેહનો પોલીસે કબજા લઇ સિવીલમાં પી.એમ. અર્થે લઇ જવામાં આવ્યો હતો. જોકે પરિવારજનોએ તબીબો સામે બેદરકારીનો આક્ષેપ કરતાં સિવીલ દ્વારા ફોરેન્સીક પી.એમ.ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતક વિદ્યાર્થિનીના કાકા પ્રવીણભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે, હું અભિપ્રાય પ્રમાણેની ડો.નિખિલ પટેલની હોસ્પિટલ લઈ ગયો. રવિવાર હોવાથી ડોક્ટર હાજર જ નહોતા. તમામ સારવાર નર્સ દ્વારા જ કરવામાં આવી હતી. આખરે અમે ડોક્ટરને ફોન પર વિનંતી કરી પણ તે આવ્યા નહી અને આખરે દીકરીનું મોત થયું હતું. તબીબો હાજર ન રહેતા હોય તો બોર્ડ ન લટકાવવા જોઈએ કે ૨૪ કલાક સારવાર મળશે. આગામી સમયમાં ડોક્ટરની સામે પોલીસ કેસ કરીશું અને ન્યાયની માંગ કરીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application