તાપીમિત્ર ન્યુઝ-વ્યારા:ચોમાસા દરમિયાન થયેલા વરસાદને કારણે જાહેર માર્ગોને ભારે નુક્શાન થવા પામ્યું છે. જેને ધ્યાને લઈને રાજ્ય સરકારે પ્રજાજનોને સ્પર્શતા આ પ્રશ્ને, ત્વરિત નિર્ણય લઈને, આવા માર્ગોના મરામતની કામગીરી હાથ ધરી છે.જે મુજબ તાપી જિલ્લામાં પણ થયેલા માર્ગોના નુક્શાનને ધ્યાને લઈને, જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન મુજબ, જિલ્લાના માર્ગ અને મકાન વિભાગે (રાજ્ય તથા પંચાયત) જિલ્લાના માર્ગોની સુધારણાનું કામ હાથ ધર્યું છે. તાપી જિલ્લામાં બન્ને વિભાગોના મળી કુલ ૧૭૨૨.૯૮ કિલોમીટરના માર્ગો આવેલા છે. જે પૈકી ચોમાસા દરમિયાન ૨૧૫.૧૦ કિલોમીટર લંબાઈના વિવિધ માર્ગોને ભારે વરસાદને કારણે નુકશાન પહોચવા પામ્યું છે, જેને યુદ્ધના ધોરણે દુરસ્ત કરવામાં આવી રહ્યા છે. તા.૧૨મી ઓક્ટોબર સુધી તાપી જિલ્લાના આ માર્ગો પૈકી ૧૫૭.૧૦ કિલોમીટર (૭૩ %)ના માર્ગોની સુધારણા (ડામર પેચ)નું કામ પૂર્ણ કરાયું છે. જ્યારે બાકી રહેતા ૫૮ કિલોમીટરના માર્ગોની મરામતનું કાર્ય, આગામી તા.૧૮/૧૦/૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવા માટે, પ્રશાસને કમર કસી છે. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે જનહિતલક્ષી નિર્ણય લેતા, આ વર્ષે અતિભારે વરસાદથી નુકશાન પામેલા માર્ગોની મરામત માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે આ માર્ગોની મરામત માટેનો નિર્ણય કર્યો છે. જે અન્વયે રાજ્ય સમસ્તમાં હાથ ધરાયેલા માર્ગ મરામતના કામો પૈકી, તાપી જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આ કામો શરૂ કરાયા છે. ભારે વરસાદને કારણે માર્ગો પર ખાડા પડવા, ધોવાણ થઇ જવું જેવા કારણોસર આવા માર્ગોનું રિસરફેસીંગ – રીપેરીંગ કરવું આવશ્યક બની ગયું છે. જેને લઇને ત્વરિત કામગીરી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500