Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ સોનગઢ તાલુકાના દોણ ગામેથી ગાંધી સંકલ્પ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો

  • October 10, 2019 

તાપીમિત્ર ન્યુઝ-વ્યારા:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા પર્યાવરણને પ્રદુષિત થતુ બચાવવા તથા પ્લાસ્ટિક કચરાથી મુક્ત એવા સમૃધ્ધ રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવા યોજાઈ રહેલ ગાંધી સંકલ્પ પદયાત્રાનું આજે તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના અંતરિયાળ અને ઐતિહાસિક પવિત્ર યાત્રાધામ દોણ (ગૌમુખ) ગામેથી શીપીંગ, કેમિક્લ્સ એન્ડ ફર્ટીલાઈઝર્સ વિભાગના કેન્દ્રિય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાએ શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે પ્રેરક ઉદબોધન કરતા તેમણે જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સંપૂર્ણ ગાંધી વિચારધારને લઈ સૌનો સાથ-સૌનો વિકાસ સાથે સમૃધ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. ગાંધી એક વ્યક્તિ નહી પણ એવી વિચારધારા છે કે જેની પાસે વર્તમાન સમયની તમામ સમસ્યાઓનું સમાધાન છે. આજ બાબતને જનજન સુધી પહોંચાડી ખાસ કરીને નવી પેઢીમાં ગાંધીજીના આદર્શ જીવન મૂલ્યો પ્રસ્થાપિત કરી તીવ્ર રાષ્ટ્રભાવના કેળવવા ઠેરઠેર ગાંધી સંકલ્પ પદયાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે સૌ સાથે મળી ગાંધી મૂલ્યોના માર્ગે ચાલી નવા ભારતનું નિર્માણ કરવા પ્રતિબધ્ધ બનીએ. સત્ય અને અહિંસાના જોરે દેશને ગુલામીમાંથી મુક્ત કરાવનાર અને નાની નાની વાતમાં પણ સમૃધ્ધ સમાજ ગામ અને રાષ્ટ્રની કલ્પના કરનાર પૂ.ગાંધીના આદર્શો અને જીવનમૂલ્યો આજે પણ સમાજને નવી રાહ ચીંધે છે. સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી મહાત્મા ગાંધીએ સત્ય, અહિંસા, અપરિગ્રહ તેમજ વાલીપણાના આપેલા સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ગાંધી વિચારધારા પ્રમાણે અંતિમ અને ઉત્તમ પ્રદાન એટલે બુનિયાદી શિક્ષણ તેમ જણાવી ગામડું સેલ્ફ સિસ્ટમથી સ્વનિર્ભર બને તે માટે સૌના સહિયારા અને સુચારૂ પ્રયાસો કરવાની જરૂરિયાત છે તેમ જણાવી મંત્રીશ્રીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લાના તમામ નાગરિકો સ્વચ્છતા અભિયાનમાં જોડાય એવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.બારડોલી લોકસભા મતદાર વિસ્તારના સંસદ સભ્ય-વ-ગાંધી સંકલ્પ પદયાત્રા સમિતિના આયોજકશ્રી પ્રભુભાઈ વસાવાએ ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીના ઉપલક્ષ્યમાં યોજાઈ રહેલ પદયાત્રાનો ઉદ્દેશ સમજાવી જણાવ્યું હતું કે, પૂ.ગાંધીજીના સાદગી અને સ્વચ્છતાના આદર્શ જીવન મૂલ્યોને અપનાવી આપણે પણ આપણા જીવનને ચરિતાર્થ કરીએ. તેમણે ઉપસ્થિત સૌને પ્લાસ્ટિકનો ઉપયોગ છોડી દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા આહવાન કરી ગાંધી વિચારને છેવાડાના વિસ્તારમાં જનજન સુધી પહોંચાડવાના આ પ્રયાસને સૌના સહકારથી જરૂર સફ્ળતા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સુમૂલના ચેરમેન રાજુભાઈ પાઠક અને સંગઠન પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે પ્રેરક પ્રવચન કર્યુ હતુ.આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીશ્રી સન્મુખભાઈ શાહ, નિવૃત સૈનિક અને ગ્રામ્ય કારીગરોનું સન્માન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.સાંસદ પ્રભુભાઈ વસાવાએ સંકલ્પ પત્રનું વાંચન કરી ઉપસ્થિત સૌને સ્વચ્છ ભારત નિર્માણ માટેનો સંક્લ્પ લેવડાવ્યો હતો.કાર્યક્રમમાં માજીમંત્રી કાંતિભાઈ ગામીત, ગાંધી ફિલ્મના હીરો અને ગાંધીજીના પરિવેશમાં દિપકભાઈ અંતાણી,અધિક નિવાસી  કલેક્ટરબી.બી.વહોનિયા,ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન નરેશ પટેલ સહિત,સામાજિક,સ્વૈચ્છીક તથા સહકારી સંસ્થાઓના આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application