Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીના શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપુત સમાજ દ્વારા દશેરા પર્વની કરાઈ ઉજવણી:શસ્ત્ર અને શાસ્ત્ર પુજનનો મહિમા વર્ણવાયો

  • October 08, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત-માંડવી:ઇતિહાસના ગર્ભમાં ધરબાયેલી શ્રી ક્ષત્રિય ખેંગાર રાજવંશની ઉચ્ચત્તમ મહિમા વર્ણવતા, અખિલ ભારતીય ખેંગાર રાજવંશના બારોટ દેવ શ્રી રામસિંહ બારોટે, દશેરાના પાવનપર્વે, ગુજરાતના ખેંગાર રાજપુત સમાજને, શસ્ત્ર સાથે શાસ્ત્ર પૂજનનું તેટલુ જ મહત્વ છે તેમ જણાવ્યું હતું.સુરત જિલ્લાના માંડવી ખાતે દશેરા મહોત્સવની ઉજવણીમાં રાજસ્થાનથી ખાસ પધારેલા બારોટ દેવે, ખેંગાર રાજવંશ, અને રાજગાદીની ઉપયોગી જાણકારી આપવા સાથે, વંશ અને વંશાવલીની ઉપયોગીતા પણ સ્પષ્ટ કરી હતી. કોઈ પણ સમાજની અધિકૃત જાણકારી પુરી પાડતી વંશાવલીની મહત્તા સરકાર પણ સ્વીકારી રહી છે ત્યારે, સમાજે વિશેષ જાગૃતિ દાખવી, આ પરંપરાને જાળવવી જોઈએ તેમ પણ તેમણે વધુમાં કહ્યું હતું. ઝાંસી નજીક ગઢકુંડારમાં ૧૬૫ વર્ષ સુધી ખેંગાર રાજવંશના શાસનની તારીખ અને તવારીખ પણ તેમણે વર્ણવી હતી.કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પધારેલા શ્રી પપ્પુભાઈ તિવારી ઉર્ફ છોટે યોગીએ, ખેંગાર રાજવંશના શુરવીર પૂર્વજોને યાદ કરીને, તેમના નામ, કીર્તિ અને સમાજ માટેના તેમના યોગદાનને નજર સમક્ષ રાખી, દરેકે આચરણ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. પરસ્પર એકતા અને સહકારની ભાવના સાથે, સમાજોપયોગી કાર્યમાં સૌને એકજુટ થવાની પણ તેમણે હિમાયત કરી હતી.દશેરો એટલે શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન. બદલાતા સમય, અને સંજોગ પ્રમાણે આજના સમયમાં, શસ્ત્ર કરતા શાસ્ત્રની, એટલે કે વિદ્યાની, શિક્ષણની સમાજને સૌથી વધુ જરૂરિયાત છે, તેમ જણાવી, ખેંગાર સમાજના પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહ ખેંગાર ઉર્ફ બૈજુભાઈએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી, કાર્યક્રમની રૂપરેખા સાથે, ભાવિ આયોજનનો ખ્યાલ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપપ્રમુખ શ્રી કિશોરસિંહ ખેંગારે આભારવિધિ આટોપી હતી.કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે અહીં નાના બાળકો, બાળકીઓ, યુવાનો, તથા ક્ષત્રાણીઓ દ્વારા પણ તલવારબાજી રજૂ કરાઇ હતી. સુરભીબા એ ઝાંસીકી રાણી એકપાત્રિય અભિનયની રજુઆત કરી હતી. ત્યાર બાદ સમાજબંધુઓ દ્વારા માતાજીના મંદિર સમીપે શસ્ત્ર અને શાસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.રાષ્ટ્રગાન સાથે સમાપ્ત થયેલા આ કાર્યક્રમમાં,રાજસ્થાન રાજપુત સમાજના અગ્રણી શ્રી ભીમસિંહ રાજપૂત સહિત,ગામ પરગામથી પધારેલા ખેંગાર રાજપૂત વંશના મહાનુભાવોએ ઉપસ્થિત રહી તેમના સ્વાનુભવો વર્ણવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application