તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ગુજરાત રાજ્યની જીવાદોરી નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતાએ ૧૩૮.૬૮ મીટર સુધી ભરાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન તા.૧૭મી રોજ નર્મદા નીરનાં વધામણા માટે સમગ્ર રાજયમાં થનાર ઉજવણીના ભાગરૂપે વ્યારા સ્થિત શ્રીરામ તળાવ ખાતે નર્મદા અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યમંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રી યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ‘નમામી દેવી નર્મદે મહોત્સવ’ની તાપી જિલ્લામાં ભારે ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રેરક ઉદબોધન કરતા મંત્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાતની જીવાદોરી અને લોહપુરૂષ સરદાર સાહેબની સ્વપ્નસરીતા નર્મદા યોજના છ દાયકા સુધી વિવાદોમાં રહેતા અનેક અડચણો આવ્યા હતા.પરંતુ ગુજરાતના સપૂત એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪ દેશની ધુરા સંભાળતાની સાથે માત્ર ૧૭ દિવસમાં બંધની ઉંચાઈ વધારવાની મંજુરી આપી વર્ષોથી થઈ રહેલ અન્યાય દુર કરતા જ ગુજરાતની સમૃધ્ધિના દ્વાર ખુલી ગયા હતા.પરિણામ સ્વરૂપ આજે કેનાલ નેટવર્ક,સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના મારફતે કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં પીવાના અને સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચ્યા છે.વધુમાં નર્મદાની આ વિપુલ જળરાશીથી રાજ્યની ચાર કરોડથી વધુ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળવાની સાથે ૧૮ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગામી વર્ષોમાં ખેડુતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર થશે તેમ જણાવી આ ઐતિહાસિક અને પવિત્ર અવસરમાં સહભાગી બનવા બદલ ઉપસ્થિત વિશાળ જનમેદનીને અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેકટર આર.જે હાલાણીએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે મા વાત્સલ્ય અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ તથા વેસ્ટઝોન જુનિયર એથ્લેટિક્સમા મેડલ મેળવેલ ખેલાડીઓનું સન્માન કરાયું હતુ.આ પ્રસંગે નર્મદા મૈયાની આરતી,પૂજા-અર્ચના,નર્મદા થીમ આધારિત ગરબા-ગીતોનુ ગાયન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ,સરદાર સરોવર ડેમની યશોગાથા વર્ણવતી ફીલ્મની નિદર્શન કરાયું હતુ.ત્યારબાદ વૃક્ષારોપણ અને નગર પાલિકાઓ પ્લાસ્ટિક કચરાના એકત્રીકરણ અને નિકાલના સફાઇ ઝુંબેશ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.આ અગાઉ કાર્યક્રમના ભાગરૂપે સવારે મંત્રી યોગેશભાઈ પટેલે ઉકાઈ ડેમ ખાતે પણ શ્રીફળ અર્પણ,આરતી કરી જળ પૂજન-અર્ચન કર્યુ હતુ.પૂજા અર્ચના અગાઉ મંત્રીએ દક્ષિણ ગુજરાત જીવાદોરી ઉકાઈ જળાશયની મુલાકાત લઈ પાવર હાઉસ,સંગ્રહિત પાણીની સપાટી સહિત ડેમની ટેકનીકલ જાણકારી મેળવી હતી.ડેમના અધિક્ષક ઈજનેર આર.એમ.પટેલે મંત્રીશ્રીને ડેમના કેચમેન્ટ એરિયા,પાણી છોડવાના ગેટ,ડાઉનસ્ટ્રીમ, લઘુત્તમ-મહત્તમ પાણીનું લેવલ જાળવણી,વિજ ઉત્પાદન પ્રક્રિયા સહિત વિવિધ ટેકનીકલ બાબતોની મંત્રીને વિગતવાર જાણકારી આપી હતી.આ વેળા મંત્રીશ્રીની સાથે મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ડોઢિયા અને પક્ષ પ્રમુખ જયરામ ગામીત જોડાયા હતા.સરદાર સરોવર બંધમાં પૂર્ણ સપાટી સુધી જળ સંગ્રહનો હર્ષ વ્યક્ત કરવા રાજ્ય વ્યાપી “નમામી દેવી નર્મદે” ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.મંત્રી અને મહાનુભાવોએ નર્મદા માતાને શ્રીફળ અર્પણ અને આરતી કરીને આ ઐતિહાસિક ઘટનાને વધાવી હતી.તાપીમાં જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર પણ મા નર્મદાના આ વિપુલ જળ રાશિનું પ્રતિકાત્મક પૂજન અર્ચન કરીને ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.લોકોને મેઘલાડુના વિતરણ ઉપરાંત ઠેરઠેર વૃક્ષારોપણ કરીને ખુશાલી વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમની આભારવિધી અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનીયાએ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500