ઉત્તરપ્રદેશનાં વિવિધ હિસ્સામાં વીજળી પડવાની ઘટનામાં 14નાં મોત થયા હતા અને બીજા 16ને ઇજા થઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જ્યારે જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભૂસ્ખલનથી રસ્તો બંધ કરવાની ફરજ પડતા એક હજારથી વધુ વાહનો અટવાયા છે. ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વીજળી પડવાના લીધે મૃત્યુ પામેલા દરેકના કુટુંબને 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. રીલિફ કમિશ્નર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો મુજબ ફતેહપુરમાં બે, બલરામપુર, ચંદૌલી, બુંલંદશહેર, રાયબરેલી, અમેઠી, કૌશંબી, સુલ્તાનપુર અને ચિત્રકૂટ જિલ્લામાં વીજળી પડવાથી એક-એકનાં મોત થયા હતા.
જયારે આદિત્યનાથે મૃતકોનાં કુટુંબીઓના સાંત્વના પાઠવી હતી અને ઇજાગ્રસ્ત થયેલાઓની યોગ્ય સારવાર થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત જમ્મુનાં રામબન જિલ્લામાં ભારે વરસાદનાં લીધે જમ્મુ-કાશ્મીર શ્રીનગર હાઇવે પર ભૂસ્ખલન થતા રસ્તો બંધ થઈ ગયો છે. તેના લીધે હજારો વાહન અટવાઈ પડયા છે. કાશ્મીરને ભારતના બાકીના હિસ્સા સાથે જોડતો એકમાત્ર 270 કિ.મી. લાંબો માર્ગ રામબન જિલ્લામાં ચાર સ્થળોએ ભૂસ્ખલનના લીધે બ્લોક થઈ ગયો હતો. પથ્થરો પડવાના લીધે બુધવારની રાતથી હાઇવે બંધ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રાળુઓનાં કાશ્મીર લઈ જતા કાફલાને હાલમાં ચંદરકૂટ અને નાસરી ખાતે અટકાવવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500