બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાંપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. જેમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવાયો છે. સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના દેખાવો રવિવારે ફરી હિંસક બન્યા હતા.
દેખાવકારોનું કહેવું છે કે હવે તેમની એકમાત્ર માંગ પીએમ શેખ હસીનાનું રાજીનામું છે. બાંગ્લાદેશમાં અથડામણ, ગોળીબાર અને જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા. પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર દેશભરમાં 14 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. જેમાંથી 13ના મોત સિરાજગંજના ઇનાયતપુરના આ જ પોલીસ સ્ટેશનમાં થયા હતા. લગભગ 300 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ મુદ્દે બાંગ્લાદેશમાં ઘણી વખત હિંસા ભડકી ચૂકી છે.
ખરેખર તો દેખાવકારો માંગ કરી રહ્યા છે કે 1971 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત રાખતી ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવામાં આવે. અગાઉ જ્યારે હિંસા ફાટી નીકળી ત્યારે કોર્ટે ક્વોટાની મર્યાદા ઘટાડી દીધી હતી. પરંતુ હિંસા અટકી નથી અને હવે વિરોધીઓ શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે વિરોધીઓએ પોલીસ સ્ટેશનો, શાસક પક્ષના કાર્યાલયો અને તેમના નેતાઓના રહેઠાણો પર હુમલો કર્યો હતો અને અનેક વાહનોને સળગાવી દીધા હતા. સરકારે મેટા પ્લેટફોર્મ ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500