Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંભેટી ગામે આચારસંહિતાના નામે નકલી પોલીસના સ્વાંગમાં 2.55 લાખની લૂંટ

  • April 03, 2024 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામે આચારસંહિતાના નામે નકલી પોલીસના સ્વાંગમાં 2.55 લાખની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા હતા. આ કેસમાં ગુનાને અંજામ આપનાર ટોળકીના બે આરોપી પૈકી એક માજી ફૌજીના દીકરાને વલસાડ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી લૂંટના રોકડા રૂ. 2.20 લાખ કબજે કર્યા હતા. કપરાડા અંભેટી ગામના ખરેડા ફળિયામાં રહેતા મનીષ રણછોડભાઈ પટેલના ઘરે ગત તા. 24.3.2024 ના રોજ રાત્રે 9-15 વાગ્યાના સુમારે સ્વીફ્ટ કારમાં આવી પહોંચેલા પાંચ જેટલા ઈસમોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને મનીષને કોલરથી ઝાલી હાલમાં ચૂંટણીનો સમય હોય 50,000થી વધારે રૂપિયા ઘરમાં રાખી ન શકાય તેમ કહીને પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી હતી.  વધુમાં તેઓએ મનીષ પાસેથી ગામમાંથી ફંડ- ફાળાના ઉઘરાવેલા 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા.


જે બાદ તેઓએ મનીષ તથા ત્યાં હાજર નાના વાઘછીપાના સંજય પટેલને કારમાં બેસાડી દઇ કોલક નદીના પુલ પાસે લઈ જઈને, મનીષને છોડવાની અવેજમાં ખંડણી પેટે વધુ રૂપિયાની માંગણી કરીને વધુ રૂ. 1.40લાખ પણ પડાવ્યા હતા. આમ ધાડુપાડુઓએ કુલ રૂ. 2.20 લાખની મતાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. જે અંગે નાનાપોંઢા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.  મનીષ પટેલ ઉપરાંત ઉમેશ બાબરભાઇ આહીર અને શૈલેષ રામુભાઇ પટેલ એમ 3 જણા છેલ્લા દશેક વર્ષથી ગામમાં માસિક તેમજ હોળી-ધુળેટી પર્વમાં ફંડ-ફાળો ઉઘરાવીને તેમાંથી ગામના લોકોને જરૂરિયાત મુજબ ઉછીના આપે છે. જેનો હિસાબ-કિતાબ આ ત્રણેય જણા રાખે છે. જુદા-જુદા ગામોમાં રહેતા અન્ય લોકો આ રીતે ફંડ-ફાળો ઉઘરાવીને મનીષ પટેલ પાસે જમા કરાવતા હોય છે. જે પૈકી પકડાયેલા આરોપીઓ સંજય ધીરુ પટેલ જે માજી ફૌજી નો દીકરો છે અને અનિલ બાપુડ પટેલે ગામના ફંડ ફાળામાંથી પૈસા લીધા હતા. જે રૂપિયા 3.30 લાખથી વધુની રકમ જમા કરાવવા માંગતા ન હતા.


 તેથી બંને આરોપીઓએ અન્ય 3 ઇસમો સાથે નકલી પોલીસ બનીને લૂંટ અને અપહરણ કરી ખંડણીના ગુનાને અંજામ આપ્યો હતો.  વલસાડ જિલ્લા ડી.એસ.પી. ડૉ. કરનરાજ વાઘેલાએ ઘટનાની ગંભીરતા પારખીને વલસાડ એલ.સી.બી., એસ.ઓ.જી. તથા નાનાપોંઢા પોલીસ મથકના અધિકારી- કર્મચારીઓની ટીમો બનાવી તપાસ સોંપી હતી. પોલીસની ટીમોએ ગુનાવાળી જગ્યાની આજુબાજુના રૂ. પરના સીસી ટી.વી. કેમેરાના ફૂટેજ મેળવી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો આચરનાર ટોળકીના બે સભ્યો સંજય ધીરૂ પટેલ, (ઉ.વ.૩૮, રહે. વાઘછીપા ઝંડા ફળિયા, વલસાડ ડિસ્ટ્રિક્ટ બેન્કની બાજુમાં, આસ્મા રોડ, તા. પારડી) તથા અનિલ બાપુડ પટેલ (ઉ.વ. ૪૬, રહે. ખેરલાવ પાથલપૂજા ફળિયું, તા. પારડી, મૂળ રહે. અંભેટી ખરેડા ફળિયું, તા. કપરાડા)ને આબાદ ઝડપી પાડીને બંને પાસેથી લૂંટ-ખંડણીની ઉઘરાવેલી રકમ રૂ. 2.20 લાખ રોકડા તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી અર્ટીગા કાર (નં. જીજે.૧૫. સીએમ.૦૯૪૭) કબજે લીધા હતા.


પોલીસે પકડી પાડેલા બંને આરોપીઓની પુછપરછ કરતા ધાડ-લૂંટ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા અન્ય ૩ આરોપીઓના નામો ખૂલ્યા છે. જેમાં (૧) ચંપક બહાદુર પટેલ (રહે. બરૂમાળ, તા. ધરમપુર), (૨) વિક્રમ ઉર્ફે વિકી છોટુ પટેલ (રહે. દુલસાડ, બરજુલ ફળિયા, તા. વલસાડ) અને (૩) સંજય નટુ પટેલ (રહે. દુલસાડ, તા. વલસાડ)નો સમાવેશ થાય છે. એલ.સી.બી.એ પકડી પાડેલા મુખ્ય આરોપી સંજય ધીરૂ પટેલ વિરુદ્ધ વડોદરા તાલુકા પો.સ્ટે.માં વર્ષ-૨૦૧૩માં ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત વોન્ટેડ પૈકી વિક્રમ ઉર્ફે વિકી પટેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટનું કામ કરે છે. જોકે હાલ પોલીસ એ 2 આરોપી ની ધરપકડ કરી છે અન્ય 3 ને પકડવા ના ચક્રો ગ્તિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application