આરોગ્ય વિભાગનાં કર્મચારીઓની 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે. ત્યારે આરોગ્ય કર્મીઓની હડતાળ વચ્ચે મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. યૂનિયનના મહામંત્રી આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. એસ્મા લાગૂ હોવાથી સાબરકાંઠા જિલ્લા પંચાયતે આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ સાબરકાંઠમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હડતાળ કરતાં તેમને નોટીસ ફટકારવામાં આવી છે. આરોગ્ય વિભાગે 20 માર્ચથી 700થી વધુ કર્મચારીઓને કામગીરી પર આવવા માટે નોટીસ આપીને કાર્યવાહી શરૂ કરી છે.
નોટીસના કારણે 117 કર્મચારીઓ પરત ફર્યા હતા. જ્યારે 7 કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. 457 કર્મચારીઓએ હજુ જે હડતાળ પર છે તેમને 24 કલાકમાં ખુલાસો કરવાનું અલ્ટિમેટમ અપાયું છે. આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણીઓમાં ટેક્નિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરો, ખાતાકીય પરીક્ષા રદ કરો, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આઠમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે.
હડતાળને એક સપ્તાહ થવા આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યું છે. આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી છે. આ ચીમકીમાં તેમણે ઘણી બધી સૂફિયાણી વાતો કરી, પરંતુ બે વાત ઘણી મહત્ત્વની છે. આરોગ્ય કર્મીઓની વિવિધ માગ મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે, ‘આરોગ્ય કર્મીઓની બધી માગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારી ના લેવાય, ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.' તેમનો બીજો મુદ્દો એ છે કે, 'આરોગ્ય કર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મૂકાય છે'.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500