ભારતીય રેલવેમાં રોજ-બરોજ હજારો લોકો પ્રવાસ કરતા હોય છે, જેને ધ્યાને રાખી ભારતીય રેલવે પણ મુસાફરોનો પ્રવાસ વધુ સરળ બને તે માટે સમયાંતરે ટ્રેનો વધુ સુવિધાજનક બનાવવાની તેમજ સ્ટેશનોના વિકાસની કામગીરી કરતું રહે છે. તો હવે ભારતીય રેલવેએ દેશના કુલ 1275 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય રેલવે સ્ટેશનોના વિકાસ માટે તાજેતરમાં જ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાંબા ગાળાના વિચાર ઉપરાંત રોજબરોજના આધારને ધ્યાને રાખી રેલવે સ્ટેશનોના વિકાસની કલ્પના કરવામાં આવી છે.
‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ આંધ્રપ્રદેશનાં 72 રેલવે સ્ટેશન, અસમના 49, બિહારના 86, છત્તીસગઢના 32, દિલ્હીના 13, ગોવાના 2, ગુજરાતના 87, હરિયાણાના 29, હિમાચલ પ્રદેશના 3, ઝારખંડના 57, કર્ણાટકના 55, કેરળના 34, મધ્યપ્રદેશના 80, મહારાષ્ટ્રના 123, મણિપુર, ચંડીગઢ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ, અરૂણાચલ પ્રદેશમાં 1-1, ઓડિશાના 57, પુડુચેરીના 3, પંજાબના 30, રાજસ્થાનના 82, તમિલનાડુના 73, તેલંગણાના 39, ત્રિપુરાના 3, ઉત્તર પ્રદેશના 149, ઉત્તરાખંડના 11, જમ્મુ-કાશ્મીરના 4 અને પશ્ચિમ બંગાળના 94 સ્ટેશન સામેલ છે.
આ યોજના હેઠળ સુવિધાઓને વધુ શ્રેષ્ઠ બનવવા પર કામ કરવામાં આવશે. આ યોજના હેઠળ સ્ટેશનો સુધી પહોંચમાં સુધારો, વેઈટિંગ રૂમ, શૌચાલય જેવા સ્થળોને સુધારવામાં આવશે. ઉપરાંત રેલવેની યોજનામાં મુસાફરો માટે રેલવે સ્ટેશનો પર માહિતી સિસ્ટમ, એક્ઝિક્યુટિવ લોન્જ જેવી સુવિધાઓ પણ સામેલ છે. આ યોજના હેઠળ સ્ટેશનોની ઈમારતોનું કાયાકલ્પ કરાશે. સ્ટેશનોને શહેરના બંને છેડા સાથે જોડવાનું કામ કરાશે. દિવ્યાંગો માટે પણ શ્રેષ્ઠ સુવિધા પુરી પાડવાની વ્યવસ્થા ઉભી કરાશે. ઉલ્લેખનિય છે કે, દેશના ઘણા સ્ટેશનો પર કાયાકલ્પની કામગીરી શરૂ થઈ ગઈ છે.
ભારતીય રેલવેએ અગાઉથી જ દિલ્હી-NCR રેલવે સ્ટેશનો વિકાસ માટે લીલી ઝંડી બતાવી દીધી છે. આમાં ગાઝિયાબાદ રેલવે સ્ટેશનના વિકાસ માટે 336 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રેલવેનું માનીએ તો, આગામી કેટલાક વર્ષોમાં દિલ્હી અને NCRનાં રેલવે સ્ટેશનનોમાં નવું નજરાણું જોવા મળશે અને મુસાફરોને ઘણી સુવિધાઓ પણ મળતી થઈ જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500