ગાંધીનગર મહાનગરપાલિકા એક બાજુ ઈ-વિહિકલ પોલિસી લાવી રહ્યું છે ત્યારે આગામી સમયમાં પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના અંતર્ગત મહાનગરપાલિકાને 100 જેટલી ઈ-બસ મળવાની છે. આ માટે કોર્પોરેશન દ્વારા સરગાસણની ટીપી 9માં 15,000 ચોરસ મીટરનો પ્લોટ નક્કી કરીને ત્યાં ડેપો ઉભો કરવા માટેનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે. છ મહિનામાં બસ મેળવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકા ઈ-વિહિકલ પોલીસી લાવી રહી છે અને શહેરમાં મહત્તમ ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે.
ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાના વસ્તીના ધોરણ 100 જેટલી ઈ બસ મળવાની છે. જેની વિગતો આપતા સ્થાયી સમિતિના ચેરમેન જશવંતભાઈ પટેલ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાને મીડીયમ પ્રકારની 100 ફાળવવામાં આવશે. જે માટે રાજ્ય સરકારની મંજૂરીથી કેન્દ્ર સરકારમાં વિધિવત દરખાસ્ત પણ મોકલી દેવામાં આવશે. આ બસમાં 35 જેટલા મુસાફરો બેસી શકશે કોર્પોરેશન દ્વારા આ માટે સરગાસણની ટીપી 9 વિસ્તારમાં 15,000 ચોરસ મીટરના પ્લોટમાં ડેપો ઉભો કરવામાં આવશે.
છ મહિનાની અંદર બસ મેળવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારબાદ આ બસોનું સંચાલન કોર્પોરેશન દ્વારા કરવું કે પછી કોઈ એજન્સીના નિયત કરવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. નોંધવું રહેશે કે હાલ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખાનગી એજન્સી દ્વારા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે તો કોર્પોરેશન દ્વારા 25થી વધુ ઈ-બસ ખરીદીને ગુજરાત વાહન વ્યવહાર નિગમને સોંપવામાં આવી છે. જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અપડાઉન કરે છે આ ઈ બસો આવી ગયા બાદ નાગરિકોની જરૂરિયાત પ્રમાણે તેને અલગ અલગ રૂટમાં ફેરવવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500