Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાનો કહેર યથાવત:સુરત શહેરના ૫૮૧ અને જિલ્લાના ૨૬ મળીને કુલ ૬૦૭ પોઝિટિવ કેસો નોંધાયા,૨૧ દર્દીના મોત

  • April 30, 2020 

Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૯મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈ કાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૫૫૫ હતી, જેમાં ૨૬ કેસોનો વધારો થવાથી આજે કુલ ૫૮૧ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૨૦ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૩૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૨૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે. રિકવરીમાં સુધારો જોવા મળ્યો છે, રિકવરી રેટ આ પહેલા ૩% જેટલો હતો, જે આજે ૮% સુધી વધ્યો છે. પોઝિટીવ કેસો પૈકી સુરતના લિંબાયત ઝોનમાંથી સૌથી વધુ ૨૨૯ કેસો છે. આજે લિંબાયત ઝોનમાં સૌથી વધુ ૦૬ પોઝિટીવ કેસો મળ્યા છે. ત્યારબાદ સૌથી વધુ કેસો સેન્ટ્રલ ઝોનમાં નોંધાયા છે જેની કુલ સંખ્યા ૮૬ છે. આજે સેન્ટ્રલ ઝોનમાં વધુ ૦૪ પોઝિટીવ કેસ મળ્યા છે. વરાછા વિસ્તારના આજે 0૬ કેસ મળીને કુલ ૮૩ કેસ છે. ત્યારપછી સૌથી વધારે કતારગામ વિસ્તારમાં આજરોજ નવા ૦૫ કેસ સાથે કુલ ૬૫ કેસ છે. કુલ ૧૦,૮૬૮ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૫૮૧ પોઝિટીવ અને ૧૦,૨૫૪ નેગેટીવ કેસો નોંધાયા છે. આગામી દિવસે શહેરના રેડ ઝોન ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન વિસ્તારોનું વિવરણ જાહેર કરવામાં આવશે. તમામ ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં એક્ટિવ સર્વેલન્સ તેમજ ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી અંતર્ગત ૭૭૭ ટીમો નાગરિકોની સઘન ચકાસણી અને સર્વે પ્રક્રિયા કરવામાં આવી છે.કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ૨૨૨ ટિમ છે અને ૧૩૬ એ.આર.આઈના કેસ મળ્યા છે. સ્લમ વિસ્તારોમાં કેસની સંખ્યા વધતા સ્લમ વિસ્તારોમાં ટીમની સંખ્યા વધારવામાં આવી છે. આ ઉપરાંત, સ્લમ વિસ્તારમાં પોઝિટીવ કેસો વધવાના પડકારને પહોંચી વળવા ૧૯ જેટલાં ફિવર ક્લિનિક શરૂ કરવામાં આવ્યાં છે, જે આગામી સમયમાં પણ કાર્યરત રહેશે. હાલ આ ફીવર ક્લિનિકમાં ઉત્તમ સગવડ સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે આજની સ્થિતિએ ૨૧૦૩  લોકો હોમ ક્વોરેન્ટાઇન અને સમરસના કોવીડ કેર સેન્ટરમાં ૨૪૦ લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે. વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૧૬ લોકો છે. શ્રી પાનીએ કહ્યું કે, હાલની પરિસ્થિતિ સામે ઝઝૂમી રહેલા ફ્રન્ટલાઈન વર્કરો, મેડિકલ સ્ટાફ, પોલીસ, મીડિયા પત્રકાર બંધુઓ, સેનિટેશન વર્કર વગેરેએ પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવાની જરૂર છે. તેમને એક અગત્યની વાત ઉપર ભાર આપતા જણાવ્યું હતું કે, ફ્રન્ટલાઈન વર્કરે પોતાના માસ્કને વારંવાર હાથ લગાડવાનું ટાળવું જોઈએ. હાથમાં પહેરેલા ગ્લવ્ઝને વારંવાર કાઢવા નહિ અને તેને પોતાના પોકેટમાં મુકવા નહિ, આના લીધે સંક્ર્મણનો ભય વધી જાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે , ટીશર્ટ કે અડધી બાયનો શર્ટ કરતા આખી બાયનો શર્ટ પહેરવો હિતાવહ છે. વર્કરોએ પોતાનો યુનિફોર્મ અને ઓળખકાર્ડ પોતાની સાથે રાખવા કહ્યું હતું. તેમણે ફ્રન્ટલાઈન વર્કરોએ પોતાના ઉપકરણો નિયમિત સૅનેટાઇઝ કરવા અને આરોગ્ય સચવાય તેની કાળજી રાખવા વિનંતી કરી હતી. આજે શહેરના શ્રમિક ગરીબ વર્ગના ૦૮ લાખ ૧૬ હજારથી વધુ લોકોને ફૂડ પેકેટની સામાજિક સંસ્થાઓના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંગઠનો દ્વારા ૬ લાખથી વધુ ફૂડ પેકેટની વહેંચણી કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના ફંડમાં ૪ કરોડથી વધુ યોગદાન મળ્યું છે. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૨૬ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૫૮૧ અને જિલ્લાના ૨૬ મળીને કુલ ૬૦૭ કેસો નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application