Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૫મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં આજે કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૪૮૦ થઇ છે. કુલ ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે ૧૫ દર્દીના મૃત્યુ નોંધાયા છે. આજે અમરોલીના દર્દી દીપકભાઈ ભટ્ટનું અવસાન થયું છે. પોઝિટીવ કેસો પૈકી સુરતના લિંબાયત ઝોનમાંથી સૌથી વધુ ૨૦૩ કેસો છે. કુલ ૯૮૪૮ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૪૮૦ પોઝિટીવ કેસો નોંધાયા છે. તમામ ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં એક્ટિવ સર્વેલન્સ તેમજ ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી અંતર્ગત ૬૯૫ ટીમો દ્વારા આજ સુધી ૧,૬૯,૩૭૨ ઘરો તેમજ ૬,૪૫,૧૧૪ નાગરિકોની સઘન ચકાસણી અને સર્વે પ્રક્રિયા કરવામાં આવી છે. પેસીવ સર્વેલન્સ અંતર્ગત કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ૧૦૮ ટીમો કાર્યરત છે. આજે કેન્દ્ર સરકારના પાંચ વરિષ્ઠ અધિકારીઓની ટીમે સુરત શહેરની મુલાકાત લઈ કોરોના વાઈરસની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, અને સુરતની કામગીરીથી પ્રભાવિત થઇ સંતોષ વ્યક્ત કર્યો હતો.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે દુકાનો ખોલવાની મંજૂરી આપી છે, જેમાં સુરત શહેરમાં જ્યાં હોટસ્પોટ અને કોરોનાના પોઝિટીવ કેસો ધરાવતાં વિસ્તારોમાં ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો ૦૫મી મે સુધી ખોલી શકાશે નહી. આજની સ્થિતિએ ૧૯૩૫ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને ૪૫૨ સરકારી ક્વોરેન્ટાઇન હેઠળ છે. આમ, કુલ ૨૩૮૭ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇનમાં છે. પોઝિટીવ કેસોનું પ્રમાણ ઘટાડવા સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉનનું યોગ્ય અને ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. કોરોનાનું સંક્રમણ માસ્ક પહેરવું હવે ફરજિયાત છે. એકલવાયું જીવન જીવતાં ૬૦ વર્ષથી વધુ ઉમર ધરાવતાં સિનીયર સિટીઝન- વૃદ્ધ શહેરીજનોના આરોગ્યની કાળજી રાખવા, તેમજ શહેરના સિનીયર સિટીઝનો માટેના ‘વડીલોને વંદન’ અભિયાનની દિશામાં શહેરીજનોના સહયોગથી કાર્ય થઈ રહ્યું છે. શહેરમાં આજે ધાર્મિક સ્થળો, બેંકો, મેડિકલ સેન્ટરો, ડેરીઓ અને આવશ્યક વસ્તુઓની દુકાનો જેવા મહત્વના સ્થળો સહિત કુલ ૪૫૦૩ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. આજ સુધી શહેરમાં ૧.૦૪,૨૯૧ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ છે. સ્લમ વિસ્તારમાં પોઝિટીવ કેસો વધવાના પડકારને પહોંચી વળવા ૧૯ જેટલાં ફિવર ક્લિનિક શરૂ છે.
શ્રી પાનીએ કહ્યું કે, આજે શહેરના શ્રમિક ગરીબ વર્ગના ૬.૦૭ લાખ જેટલા લોકોને ફૂડ પેકેટની સામાજિક સંસ્થાઓના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૧૯ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૪૮૦ અને જિલ્લાના ૧૯ મળીને કુલ ૪૯૯ કેસો નોંધાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500