Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૭મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના ૫૦૪ શંકાસ્પદ કેસો છે, જે પૈકી ૩૮૪ નેગેટિવ રિપોર્ટ નોંધાયા છે. શહેરમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૧૦૮ થઇ છે, જયારે ૧૨ રિપોર્ટ પેન્ડીંગ છે. શહેરમાં કોરોનાને ફેલાતો અટકાવવાં માટે ટેસ્ટીંગની પ્રક્રિયા વધુ તેજ કરવામાં આવી છે.આઈ.સી.એમ.આર. દ્વારા સ્મીમેર હોસ્પિટલને આજથી કોરોના ટેસ્ટીંગની મંજૂરી મળી છે, જ્યાં આજે ૪૫ કેસોની ટેસ્ટીંગની કાર્યવાહી કરાઈ છે. સુરતમાં સૌ પ્રથમવાર એન્ટી બોડી ટેસ્ટની પણ શરૂઆત કરવામાં આવી છે. આ ટેસ્ટ માટે વલસાડથી ૧૦૦૦ કીટ ઉપલબ્ધ થશે.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, ટ્રેકિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટના ટ્રીપલ ટી એપ્રોચના આધારે હવે જ્યાં કેસો વધી રહ્યા છે તેવા લિંબાયત અને માન દરવાજા વિસ્તારના હોટસ્પોટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નિર્ધારિત ક્લસ્ટર એરિયામાં ૭૦૮ કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમોના ૧૨૦૪ કર્મચારીઓ દ્વારા ક્લસ્ટર હોટસ્પોટમાં સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે. આ સર્વેલન્સ ટીમો દ્વારા જ માનદરવાજા વિસ્તારમાં પોઝિટીવ કેસોની ઓળખ થઈ છે. સ્લમ એરીયામાં પણ ૨૦ ટીમો દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.તેમણે કહ્યું કે, ખાનગી ક્લિનિકો મારફતે ૪૭૨ જેટલા શંકાસ્પદ કેસો મળ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં શાકભાજીના વેચાણ માટે ૧૮૬ ટેમ્પો અને દૂધ માટે બાવન (૫૨) ટેમ્પોની વ્યવસ્થા કરાઈ છે, ઉપરાંત જરૂરિયાત ધરાવતાં પરિવારો માટે ૨૪ હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજની સ્થિતિએ કુલ ૨૯૭૦ લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જેમાં ૪૩૫ સરકારી અને ૨૭ વ્યક્તિઓ પ્રાઈવેટ ક્વોરેન્ટાઇનમાં છે. આમ, કુલ ૩૪૩૨ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇનમાં છે. આજે સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર ૯૫ લોકો પાસેથી રૂ.૧,૭૭,૦૦૦ દંડ કરાયો છે, જયારે માસ્ક ન પહેરનારા ૧૦૫ વ્યક્તિઓને રૂ. ૧,૦૫,૨૦૦ નો દંડ કરવામાં આવ્યો છે.શ્રી પાનીએ શહેરીજનોને કર્ફ્યુંનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500