હવે માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને રૂ.૫,૦૦૦ નો દંડ કરાશે: મ્યુ.કમિશનર
Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૨મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના ૩૩૨ શંકાસ્પદ કેસો છે, જે પૈકી ૩૦૦ નેગેટિવ રિપોર્ટ નોંધાયા છે. ૨૯ પોઝીટિવ અને ૦૩ રિપોર્ટ પેન્ડીંગ છે. આજે સુરતમાં ૧૬ શંકાસ્પદ કેસો ઉમેરાયા છે, જેમાંથી ત્રણ નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. ક્લસ્ટર કન્ટેઈન્ટમેન્ટ હેઠળ શહેરના કોરોના માટે સંવેદનશીલ વિસ્તારોમાં ૩૫ કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમો દ્વારા લેવામાં આવેલા કુલ ૧૪૨૮ કોમ્યુનિટી સેમ્પલીંગ પૈકી ૦૬ કેસ પોઝિટીવ આવ્યા છે, જયારે ૧૨૯૬ સેમ્પલ નેગેટીવ છે.મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, ICMR દ્વારા આજે સ્મીમેર હોસ્પિટલને કોરોના ટેસ્ટીંગ માટે મંજૂરી આપવામાં આવી છે. જેથી ટેસ્ટીંગ પ્રક્રિયા માટેની તાલીમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરતમાં પ્રતિદિન ૪૦૦ ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ ICMR ની મંજૂરી મળવાથી પ્રતિદિન ૮૦૦ ટેસ્ટ શક્ય બનશે. આજની સ્થિતિએ કુલ ૨૫૪૫ લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જેમાં ૧૮૫ સરકારી અને ૦૪ વ્યક્તિઓ પ્રાઈવેટ ક્વોરેન્ટાઇનમાં છે. આમ કુલ ૨૮૩૪ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇનમાં છે.
શહેરમાં આજે ધાર્મિક સ્થળો, એ.પી.એમ.સી. બેંકો, સરકારી કચેરીઓ સહિત મેડિકલ સેન્ટરો, ડેરીઓ અને આવશ્યક વસ્તુઓની દુકાનો જેવા મહત્વના સ્થળો સહિત આજ સુધી ૪૩૧૪૯ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ આજ રોજ ૨૩૩૩ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે.આજે સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર ૧૨૧ અને માસ્ક ન પહેરનારા ૧૪૩ વ્યક્તિઓને દંડ કરવામાં આવ્યો છે. હવે માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને રૂ. ૫,૦૦૦ નો દંડ કરાશે એમ મ્યુ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું. જેથી જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા અને જરૂરી કામ હોય ત્યારે બહાર નીકળતી વખતે શહેરીજનોએ માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવાની જાહેર જનતાને અપીલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500